નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ

અમદાવાદ: બ્લેક એન્ડ વ્હાઈટ, કલર, ડિજિટલ, મિરરલેસ એમ તસવીરો કંડારવાના સાધનો બદલાયા. મોબાઈલ અને ડ્રોન કેમેરાએ તસવીરોના દસ્તાવેજી કરણમાં અનેક ઘણી સુંદરતા વધારી છે. ભયાનક ઘટના-દુર્ઘટના, સુંદર પ્રસંગો, યાદો, કુદરત અને આપણી આસપાસના લોકોના જીવનને કેમેરામાં કેદ કરી રજૂ કરવું એ પણ કળા છે. નવજીવન ટ્રસ્ટ જેવી સંસ્થા આવા કેમેરાના કસબીઓને ફોટોગ્રાફી ફેસ્ટિવલ યોજી વિશાળ પ્લેટફોર્મ પુરૂં પાડે છે. ડિજિટલ ક્રાંતિના આ સમયમાં યુવા વર્ગને સાંકળી લેતી કોમ્યુનિકેશનની નવી ચેનલોને પ્રસ્થાપિત કરીને તેનું સંવર્ધન કરવાનાં ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ (એનપીએફ) એડિશન–II નું આયોજન કરવામાં આવ્યું છે. એનપીએફ એડિશન–II તા. 2 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન નવજીવન ટ્રસ્ટ ખાતે યોજાશે. નવજીવન ટ્રસ્ટનાં ચેરમેન વિવેક દેસાઈ ચિત્રલેખા.કોમને કહે છે “નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલમાં સામાજીક અને સાંસ્કૃતિક સંદેશામાં ગાઢ અસર ધરાવતા દેશનાં વિવિધ ભાગોનાં આર્ટિસ્ટસનું કાર્ય પ્રદર્શિત કરાયા છે. એનપીએફમાં વાર્તાલાપ, ફિલ્મ સ્ક્રીનિંગ્સ, પોર્ટફોલિયો રિવ્યુઝ, પેનલ ડિસ્કશન, વર્કશોપ્સ અને કલાકારો સાથે વાર્તાલાપ જેવાં વિવિધ કાર્યક્રમો યોજાશે.” “એનપીએફ એડિશન–IIમાં દેશનાં ચુનંદા કલાકારોનાં કુલ આઠ એક્ઝિબિશન છે. વિઝ્યુઅલ આર્કાઇવ્ઝ ઓફ કુલવંત રોયનું ક્યુરેટિંગ આદિત્ય આર્ય, નિમાઈ ઘોષ- ડાયલોગ વીથ ધ કેમેરાનું ક્યુરેટિંગ ઈના પુરી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભોપાલ ગેસ દુર્ઘટનાની જીવંત વાસ્તવિક તસવીરો મુકેશ પારપિયાનીની દીર્ઘ દ્રષ્ટિએ કંડારી છે.. ટ્રેજેડી એટ મિડનાઈટ્સના નામે મુકાયેલી તસવીરોમાં હ્રદય દ્રાવક ઘટના રજૂ થાય છે , આશા થડાણીનું બ્રોકન, તરૂણ ભરતિયાનું ઇએમ/એનઓ, સુનીલ આદેશરાનું ધ આણંદ પેટર્ન જેમાં અમુલ દૂધ ઉત્પાદન અને દૂધ દ્વારા લોકોના જીવનમાં થયેલું પરિવર્તન દર્શાવતી તસવીરો., યશપાલ રાઠોરનું ટાઇગર-ટાઈગર અને પ્રસેનજીત યાદવના ‘શેન: ધ લેપર્ડ ઓફ ધ માઉન્ટેન્સ/લિવિંગ ટ્રી બ્રિજીઝ ઇન એ લેન્ડ ઓફ ક્લાઉડ્સ’નો એક્ઝિબિશનમાં સમાવેશ થાય છે. એન.પી.એફ. એડિશન–II નો તા. 2 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 5.00 કલાકે આરંભ થશે. તા. 3 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 6 થી 6.45 કલાક દરમિયાન મુકેશ પારપિયાનીનો વિવેક દેસાઈ સાથે વાર્તાલાપ અને 7 થી 7.45 કલાક દરમિયાન ઈના પુરીનો અનુજ અંબાલાલ સાથે વાર્તાલાપ યોજાશે.તા. 4 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 6 થી 6.45 કલાક દરમિયાન આશા થડાણીનો અનુજ અંબાલાલ સાથે અને સાંજે 7 થી 7.45 કલાક દરમિયાન યશપાલ રાઠોરનો સૌરભ દેસાઈ સાથે વાર્તાલાપ યોજાશે.તા. 5 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 7.00 કલાકે સોનાલી ડી સાથે ફોટોગ્રાફી યોજાશે. બપોરે 2.30 થી 4.30 કલાક દરમિયાન હિમાંશુ પંચાલ દ્વારા પિકસેલ ટુ પ્રિન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 થી 5.30 કલાક દરમિયાન ધેર્યકાંત ચૌહાણ મેમોરિયલ ઓલ ઇન્ડિયા ફોટો કોમ્પિટિશનનાં એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.સાંજે 5.45 થી 6.30 કલાક દરમિયાન તરૂણ ભરતિયાનો વાર્તાલાપ મિતુલ કજારિયા સાથે યોજાશે. સાંજે 6.45 થી 7.45 કલાક દરમિયાન સોનાલી ડીની ફિલ્મ ‘ધ નેઇમ ઇઝ લિન્કડ ઇન ફેઇથ’નું સ્ક્રીનિંગ કરવામાં આવશે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)