કોહલી પરના નિવેદનથી મુશ્કેલીમાં મુકાયા નાના પાટેકર .. ચાહકોએ ઉડાવી મજાક!

તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલી રમતા જોવા મળ્યો હતો. કોહલીએ શ્રેણીની પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ પછી, કોહલી બાકીની ચાર મેચોમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો. દરમિયાન, પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા નાના પાટેકરે ભારતીય બેટ્સમેન પર નિવેદન આપતા કહ્યું હતું કે જો કોહલી વહેલા આઉટ થઈ જાય છે, તો એને ખાવાનું મન થતું નથી.

હવે નાના પાટેકરના આ નિવેદનને લઈને ચાહકો સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવતા જોવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની 9 ઇનિંગ્સમાં કોહલીએ કુલ 190 રન બનાવ્યા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. આ મુજબ, કોહલી 9 માંથી 8 ઇનિંગ્સમાં વહેલા આઉટ થયા પછી પેવેલિયન પાછો ફર્યો.

હવે ચાહકો કોહલીના વહેલા આઉટ થવાને નાના પાટેકરના નિવેદન સાથે જોડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું, “જ્યારે વિરાટ કોહલી વહેલા આઉટ થાય છે, ત્યારે નાના પાટેકરનો પરિવાર એમનો ખોરાક પાછો લઈ જાય છે.” બીજા એક યુઝરે લખ્યું, “કોહલી સાહેબે નાના પાટેકરને સંપૂર્ણ નવરાત્રીનો અનુભવ કરાવ્યો, એમને એમ જ કિંગખાન નથી કહેતા.”

અહીં જુઓ પ્રતિક્રિયા…

કાઉન્ટી ક્રિકેટ રમી શકે છે કોહલી

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા વિરાટ કોહલી ઘરેલુ ક્રિકેટ તરફ વળી શકે છે. એ લાંબા સમયથી ઘરેલુ ક્રિકેટ નથી રમ્યા. ભારતે જૂનમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલી ઇંગ્લેન્ડના સ્થાનિક ક્રિકેટ એટલે કે કાઉન્ટી ક્રિકેટમાં જોવા મળી શકે છે. જોકે, કાઉન્ટી ક્રિકેટ અને IPLની તારીખો વચ્ચે ટક્કર થશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કોહલી કાઉન્ટી ક્રિકેટમાં જોવા મળે છે કે નહીં.