વૃક્ષો અને વૃદ્ધો માટે રાજકોટમાં મોરારીબાપુની કથાનું આયોજન
રાજકોટ: સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં આગામી ૨૩ નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મોરારિબાપુની 947મી રામ કથાનો પ્રારંભ થશે. 12 વર્ષ પછી રાજકોટમાં મોરારીબાપુની રામકથા યોજાશે. દરરોજ એક લાખ લોકો કથા શ્રવણ અને ભોજન-પ્રસાદનો લાભ લેશે.સમગ્ર ગુજરાતમાં 11 લાખ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લેનાર રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ ઉપર રૂપિયા ૩૦૦ કરોડનાં માતબર ખર્ચે ૧૪૦૦ રૂમમાં, ૫૦૦૦ નીરાધાર-બીમાર-પથારીવશ વડીલો માટે એક નવા સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલ આ સંસ્થા 600 જેટલા વૃદ્ધોને આશરો આપી રહી છે. અહીં નિવાસ, ભોજન અને તબીબી સારવાર સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. ગુજરાતભરમાંથી વૃદ્ધો અહીં આશરો લેવા આવે છે. હવે આ સંસ્થા વધુ વૃદ્ધોને સમાવી શકાય તે માટે જામનગર રોડ ઉપર 30 વીઘા જમીનમાં નવા પરિસરનું નિર્માણ કરી રહી છે.મોરારીબાપુની કથામાં દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વધુ લોકો કથાનો લાભ લઇ શકે. વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. સંસ્થાના અગ્રણીઓ વિજયભાઈ ડોબરિયા અને મિલનભાઇ ખેતાણીએ જણાવ્યું હતું કે, “રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે. કથામાં વિદેશથી પણ દસ હજાર રામકથા પ્રેમીઓ આવશે.”કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વૃક્ષોના મહત્ત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૃદ્ધોની સેવા-ચાકરી, નવા પરિસરના નિર્માણ અને વૃક્ષારોપણ પ્રવૃતિના વિકાસ માટે વાપરવામાં આવશે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે.