ભાજપના વોશિંગ મશીનમાં અનેક લોકો ધોવાઈને ચોખ્ખા થયાઃ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ સૌપ્રથમ વાર લોકસભામાં ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણા સંવાદ અને ચર્ચાની પરંપરા રહી છે. આ ગૌરવશાળી પરંપરા છે.  

તેમણે કહ્યું હતું કે દેશમાં જાતિ જન ગણતરીની જરૂર છે. જાતિ જન ગણતરીથી માલૂમ પડે છે કે કઈ જાતિની કેટલી સંખ્યા છે. તેમણે સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે સરકાર અનામતને નબળી પાડી રહી છે.તેમણે સંસદમાં ઉન્નાવ રેપ પીડિતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉન્નાવ રેપ પીડિતાને ન્યાય નથી મળ્યો. તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભાજપ પાસે વોશિંગ મશીન છે. અનેક લોકો સંસદમાં એવા છે, જે ત્યાં જઈને બેસી ગયા છે. આ લોકો વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા છે, એટલે ઓળખમાં નથી આવી રહ્યા.


પહેલાં જ્યારે સંસદ કામ કરતી હતી ત્યારે લોકોને આશા હતી કે સરકાર મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચા કરશે. લોકો માનતા હતા કે જો નવી આર્થિક નીતિ બનાવવામાં આવશે તો તે અર્થતંત્રને મજબૂત કરવા માટે બનાવવામાં આવશે. ખેડૂતો અને આદિવાસી ભાઈ-બહેનોનું માનવું હતું કે જો જમીન કાયદામાં સુધારો કરવામાં આવશે તો તે તેમના કલ્યાણ માટે થશે. તમે સ્ત્રી શક્તિની વાત કરો છો. આજે ચૂંટણીને કારણે આટલી બધી વાતો થઈ રહી છે. કારણ કે આપણા બંધારણે તેમને આ અધિકાર આપ્યો છે. મતોને પોતાની સત્તામાં રૂપાંતરિત કર્યા. આજે તમારે સમજવું પડશે કે તેમના વિના સરકાર બની શકે નહીં. તમે લાવેલા મહિલા સશક્તીકરણ કાયદાનો અમલ કેમ નથી કરતા? શું આજની સ્ત્રી 10 વર્ષ સુધી તેની રાહ જોશે?, એમ તેમણે કહ્યું હતું.