અમૃતસર: પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પર બુધવારે સુવર્ણ મંદિરના ગેટ પર ફાયરિંગ કરવામાં આવી. જો કે ગોળી દીવાલમાં વાગતા તેઓ બચી ગયા છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં હુમલાખોર હાથમાં પિસ્તોલ લઈને સુખબીરસિંહ બાદલ તરફ દોડ્યો અને ફાયરિંગ કર્યું. જો કે આ દરમિયાન ત્યાં ઊભેલા સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને દબોચી લીધો હતો અને પિસ્તોલ છીનવી લીધી હતી.
સુરક્ષાકર્મીઓએ સુખબીર બાદલને ઘેરી લીધા હતા. ઘટના બાદ સુવર્ણ મંદિરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ ગુરદાસપુરના ડેરાબાબા નાનકના રહેવાસી નારાયણ સિંહ ચૌડા તરીકે થઈ છે. તે દલ ખાલસાનો સભ્ય છે.આ ઘટના સુવર્ણ મંદિરના એન્ટ્રી ગેટ પર ત્યારે બની જ્યારે શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ ધાર્મિક સજા તરીકે ચોકીદારી કરી રહ્યા હતા. સુખબીરને પગમાં ફ્રેક્ચર છે, તેથી તે વ્હીલચેર પર બેઠા હતા અને હાથમાં ભાલો લઈને ચોકીદારી કરી રહ્યા હતા.