રાજકોટ: ઉનાળાની આકરી ગરમી વચ્ચે લોકસભની ચૂંટણીનો ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મંગળવારને ૭મી મેના રોજ ગુજરાતમાં ૨૫ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે વધુ મતદાન કરાવવા રાજકીય પક્ષો જોર લગાવી રહ્યા છે. આ માહોલમાં વાત કરીએ એક એવાં ગામની જ્યાં મતદાન ન કરનારને દંડ કરવામાં આવે છે. આ ગામ રાજકોટથી ૨૨ કિલોમીટર દૂર આવેલું રાજસમઢીયાળા ગામ છે.રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર આવેલા આ ગામની વસ્તી માત્ર ૧૫૦૦ લોકોની છે. પરંતુ આ ગામ અનેક રીતે અનોખુ છે. ચૂંટણી વખતે ગામમાં કોઈપણ રાજકીય પક્ષોને આવવાની મનાઈ છે અને ગામમાં કોઈ પત્રિકા વહેંચવાની અને બેનરો લગાવવાની મનાઈ છે. ગામમાં ચૂંટણીના કારણે જુદાં-જુદાં સમાજ વચ્ચે વેર ઊભા ન થાય એ માટે સ્થાનિક વિકાસ સમિતિએ આવો નિર્ણય કર્યો છે.
દેવેન્દ્ર જાની – રાજકોટ
તસવીર – નિશુ કાચા