દાહોદ: આ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે. દાહોદ ગુજરાતના ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખાય છે. રાજ્યમાં સૌ પ્રથમ સૂર્ય કિરણ દાહોદમાં પડે છે. દાહોદ એ મોગલ બાદશાહ અકબરના જન્મસ્થાન તરીકે પણ ઓળખાય છે. આ પર્વતીય વિસ્તાર અખૂટ માત્રામાં કુદરતી સંપદાથી સંપન્ન છે. તેમ છતાં વિકાસમાં પાછળ રહી ગયો છે. આ લોકસભા વિસ્તારમાં સાક્ષરતા દર 49.2%નો છે. બેઠકના 75% મતદારો આદિવાસી છે. જ્યારે 91% મતદારો ગ્રામીણ વિસ્તારના છે, જેના કારણે ચૂંટણી દરમિયાન ગ્રામીણ પ્રશ્નો ચર્ચામાં રહે છે.
ઉમેદવાર
ભાજપ: જસવંતસિંહ ભાભોર
વ્યવસાયે સામાજિક સેવક અને ખેડૂત જસવંતસિંહ ભાભોર B.A., B.Ed. થયેલા છે. તેઓ લીમખેડા તાલુકાના દાસા ગામના રહેવાસી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં દાહોદ બેઠક પરથી જીત્યા છે. 2014માં મોદી સરકારમાં તેમને કેન્દ્રિય કેબિનેટમાં આદિજાતિ વિભાગના રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલાં તેઓ પાંચ ટર્મ સુધી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને આ દરમિયાન તેમણે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે અનેક ખાતાઓ પણ સંભાળ્યા છે.
કોંગ્રેસ: ડૉ. પ્રભા તાવિયાડ
પ્રભા તાવિયાડ મૂળ સાબરકાંઠાના ધંધાસણા ગામના વતની છે અને વ્યવસાયે ડોક્ટર છે. તેમણે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ ખાતેથી M.D DGOની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. તેમના પતિ કિશોર તાવિયાડ પણ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. દાહોદ અને પંચમહાલ જિલ્લાની કાર્યકારી કોંગ્રેસ સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા. 2009માં દાહોદ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.
PROFILE
- દાહોદ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં સંતરામપુર, ફતેહપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારિયા વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના જસવંતસિંહ ભાભોર આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 1,27,596 વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
કુલ મતદારો 18,64,891
પુરુષ મતદાર 9,23,318
સ્ત્રી મતદાર 9,41,540
- વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
સંતરામપુર(ST) | ભાજપ | કુબેર ડિંડોર | 49,664 | 15,577 |
ફતેહપુરા(ST) | ભાજપ | રમેશભાઈ કટારા | 59,581 | 19,531 |
ઝાલોદ(ST) | ભાજપ | મહેશભાઈ ભુરિયા | 82,745 | 35,222 |
લીમખેડા(ST) | ભાજપ | શૈલેશ ભાભોર | 69,417 | 3,663 |
દાહોદ(ST) | ભાજપ | કનૈયાલાલ કિશોરી | 72,660 | 29,350 |
ગરબાડા(ST) | ભાજપ | મહેન્દ્રભાઈ ભાભોર | 62,427 | 27,825 |
દેવગઢબારિયા | ભાજપ | બચુભાઈ ખાબડ | 1,13,527 | 44,201 |
- 1952ની દેશની પ્રથમ ચૂંટણીમાં બેઠકનું નામ દાહોદ-પંચમહાલ કમ બરોડા ઇસ્ટ હતું. જે દાહોદ-પંચમહાલ જિલ્લાની સયુંક્ત લોકસભા બેઠક હતી.
- 1957માં દાહોદ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી.
- 1962 અને 1967માં દાહોદ બેઠક અનુસૂચિત જાતિ (SC) ઉમેદવાર માટે અનામત બેઠકમાં રૂપાંતરિત થઈ હતી.
- 1967માં દાહોદ બેઠક પુનઃ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બની, જે આજ સુધી યથાવત રહી છે.
- 1957માં નવી રચાયેલી દાહોદ બેઠક પર કોંગ્રેસના જાલજીભાઈ ડિંડોર વિજયી બન્યા હતા.
- સ્વતંત્ર ગુજરાતની 1962ની પહેલી ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષના હીરાભાઈ બારિયા જીત્યા હતા.
- આદિવાસી વિસ્તાર તરીકે જાણીતા દાહોદ જિલ્લો 2 ઓક્ટોબર – 1997ના રોજ અસ્તિત્વમાં આવ્યો.
- કોંગ્રેસના સોમજી પુંજાભાઈ ડામોરનું સતત સાત લોકસભા ચૂંટણી જીતી વિક્રમ બનાવ્યો છે.
- 2009માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ડૉ. પ્રભાબહેન તાવિયાડે ભાજપથી સતત ત્રીજી ચૂંટણી લડતા સોમજી ડામોરને 536 મતે હરાવી સૌને અચરજમાં મૂકી દીધા હતા.
- દાહોદ બેઠકમાં પુરુષ કરતાં મહિલા મતદારોનું પ્રમાણ વધુ છે.