અમદાવાદ: લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ, મંગળવારે થવાનું છે. જેમાં ગુજરાતની તમામ 26માંથી 25 બેઠકનું મતદાન યોજાવાનું છે. આથી મતદાન પહેલાં EVM/VVPAT મશીન તેમજ મતદાન સામગ્રીને મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી આજે કરવામાં આવી હતી.ચૂંટણી વિભાગના અધિકારીઓ અને સરકારના જુદાં-જુદાં વિભાગમાંથી ચૂંટણીની ફરજ સાથે જોડાયેલાં અધિકારીઓ વહેલી સવારથી જ ગુજરાતભરના નક્કી કરેલાં સ્થળો પરથી EVM-VVPAT મશીન અને મતદાનની સામગ્રીની ખરાઈ કરી ચૂસ્ત સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો સુધી પહોંચાડી હતી.અમદાવાદ શહેરના રવાનગી કેન્દ્રો પરથી સુપ્રત કરેલ મતપત્રો, મતદાર યાદીની કોપી (ત્રણ નકલમાં), ધાતુનું સીલ, વિશિષ્ટતાદર્શક સિક્કો/મતકુટિર, એરોક્રોસ માર્ક, અવિલોપ્યશાહીની બોટલ, ગ્રીન/પીંક પેપરસીલ, સ્પેશિયલ ટેગ, મતદાન મથકનો વિસ્તાર દર્શાવતી નોટીસ, હરીફ ઉમેદવારોની યાદી, ઉમેદવાર તથા ચૂંટણી એજન્ટની સહીના નમૂના, પરચુરણ કીટ જેવી ઉપયોગી મતદાનની સામગ્રી સુપ્રત કરવામાં આવી હતી.લોકસભા 2024ની ચૂંટણીના મતદાન માટે સ્ટ્રોંગ રૂમમાંથી CCTV કેમેરા, સશસ્ત્ર પોલીસ દળની હાજરીમાં એ.એમ.ટી.એસ સંચાલિત બસોમાં મતદાન સામગ્રી રવાના કરવામાં આવી હતી.સ્ટ્રોંગ રૂમથી મતદાન મથક સુધી મતદાન સામગ્રી પહોંચાડવા માટે એકલા અમદાવાદની આસપાસ એકવીસ જેટલા સેન્ટર તૈયાર કરવામાં આવ્યા હતા.