સૂરત: IIT રુરકી ખાતે યોજાયેલી નેશનલ હોકાથોનમાં વિવિધ વિભાગોમાં કુલ 26 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પર્યાવરણીય ઇજનેરી વિભાગમાં અમદાવાદની એલ. ડી. કોલેજની ટીમે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઘર વપરાશના ઉપકરણોમાં ઊર્જા અને સંસાધનોના રક્ષણ બાબતે એક મોડલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો. પર્યાવરણ ઈજનેરી વિભાગમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ પ્રોજેક્ટ ઘણો ઉપયોગી થાય એમ છે. તેમણે ઘરવપરાશનાં તમામ ઉપકરણોનું વિશ્લેષણ કર્યું અને જાણ્યું કે સૌથી વધુ પાણી વપરાતું હોય તેવું સાધન છે, વોશિંગ મશીન. અમે તેના પર ઘણા બધા પ્રયોગો કર્યા અને અમને પરિણામ મળ્યું કે 3.3 કિલો કપડાં ધોવામાં અંદાજે 105 થી 110 લીટર પાણીનો વપરાશ થાય છે. આ પાણી અંતે તો સુએજમાં જ જાય છે. તો આ પાણીને બચાવવા માટે અમારી ટીમે આ ગંદા પાણીને ચોખ્ખું કરવા માટે હોલો ફાઈબર અલ્ટ્રા ફિલ્ટરેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને ફરીથી ઘર વપરાશમાં ઉપયોગમાં લેવા માટે મોડેલ તૈયાર કર્યું છે. આ ગંદા પાણીની પી.એચ., ટર્બીડીટી, ટી.ડી.એસ., કલર અને ઓડર જેવા પેરામીટરને ટ્રીટમેન્ટ આપીને ફરીથી વાપરવા લાયક બનાવવામાં આવે છે. કલર અને ઓડરને ટ્રીટમેન્ટ આપવા માટે કાર્બન બેઝ્ડ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જો દરરોજ 107 લીટર પાણી બચાવવામાં આવે તો વર્ષે અંદાજે 39 હજાર લીટર પાણી બચાવી શકાય છે.
(અરવિંદ ગોંડલિયા – સૂરત)