અમદાવાદ: કચ્છના ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’નું રામ નવમીના દિવસે એટલે કે 17મી એપ્રિલના રોજ વિમોચન થવાનું છે. આ પહેલાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કચ્છના અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવાં ગુણોનું સિંચન કરતી ચલો રામ બને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યશાળામાં બાળકોએ ભગવાન રામના ગુણ ‘ધૈર્ય’નું જ્ઞાન મેળવ્યું. આર્યુવેદ તબીબ અને કૃપેશભાઈના પત્ની ડૉ. પૂજા ઠક્કરના નેતૃત્વ હેઠળ આ બાળકોએ શ્લોક, રામ કથા, રમત-ગમત અને સર્જનાત્મક પ્રવૃતિઓની મજા માળી. ડૉ. કૃપેશે રામ ધૂન અને મંત્રો દ્વારા બાળકોને મ્યુઝિક થેરાપી પણ આપી. આ ડોક્ટર દંપતીનું કહેવું છે કે, “આ પુસ્તકમાં વર્ણવેલા ભગવાન રામના વિવિધ ગુણો પર આધારિત અમે આવી દસ કાર્યશાળાઓ કરવાના છીએ. આ કાર્યશાળાઓ લઈ અમારું પર્વ ફ્યૂઝન બેન્ડ પ્રથમ ચરણમાં કચ્છ ભ્રમણ કરીને ત્યારબાદ ગુજરાત ભ્રમણ કરશે.”ભગવાન રામને ભજવાથી રામ બનવા સુધીની આ યાત્રા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’થી પ્રેરિત છે. ડૉ. કૃપેશ ઠક્કર કે જેમણે હોસ્પિટલ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવીને સાત વર્ષ સુધી અમેરિકામાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે નોકરી કરી. આજે જ્યારે યુવાનો બધું જ ભૂલીને અમેરિકામાં સ્થાયી થવાના સપનાં જોતા હોય છે. ત્યારે કૃપેશભાઈએ અમેરિકાની ઉજ્જવળ કારકિર્દી છોડીને ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો. આ માટે તેમણે મા, માટી અને માતૃભાષાને કારણ બતાવ્યા. તેઓ આ ત્રણેય માટે કંઈ કરવા માંગતા હતા. કૃપેશભાઈ કવિ હ્રદયી અને કલાકાર જીવ, એટલે કલાના માધ્યમથી કંઈક કરવાની ઈચ્છાએ તેઓ વર્ષ 2013ના અંતમાં ભારત પરત ફર્યા. કૃપેશભાઈ ડોક્ટર ઉપરાંત સંગીતકાર, ગીતકાર, ગાયક અને દિગ્દર્શક પણ છે. પરિણામે 2014માં જન્મ થયો ‘વાચા ફાઉન્ડેશન’નો. જેની શરૂઆત વેલેન્ટાઈન પર્વ સાથે થઈ. કૃપેશભાઈ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું ફ્યૂઝન કરીને યુવા પેઢીમાં માતા, માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યે પ્રેમ જગાડવા માંગતા હતા. આથી તેમણે એક મહિના સુધી વેલેન્ટાઈન પર્વની ઉજવણી કરી. જેમાં તેમણે સમગ્ર ગુજરાતના અલગ-અલગ વૃદ્ધાશ્રમમાં જઈને વડીલોની વંદના કરી. આ સિવાય તેઓ ફ્રેન્ડશીપ પર્વ, મા પર્વ, વુમ્નસ પર્વ, ટ્રી પ્લાન્ટેશન પર્વ, હેલ્થ કેમ્પ, ક્લબ ફૂટ અવેરનેસ કેમ્પ તેમજ ગીતા જયંતિ પર્વની ઉજવણી કરે છે. આ દરેક પર્વ તેઓ લગભગ એક મહિના સુધી ઉજવે છે. તેઓ કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન, કૃપ ફિલ્મસ અને કૃપ પબ્લિસિંગ નામની સંસ્થાઓના ફાઉન્ડર છે.
કૃપેશભાઈએ માતૃ વંદના માટે મા પર્વ અને વેલેન્ટાઈન પર્વ જેવા અનેક કાર્યક્રમો કર્યા. માતૃભૂમિની વંદના માટે તેમણે પોતાની જન્મભૂમિ કચ્છને જ પોતાની કર્મભૂમિ બનાવી અને ત્યાંથી જ દરેક કાર્યક્રમોની શરૂઆત કરી. હવે વાત આવી માતૃભાષા વંદનાની. આ માટે કૃપેશભાઈએ અનેક પુસ્તકો લખીને ભાષા વંદના કરી છે. તેમણે સૌપ્રથમ પોતાની કવિતાઓનું પુસ્તક ‘ક્યાં છે કાનો?’ પ્રસિદ્ધ કર્યું. ત્યાર બાદ અર્જુન ઉવાચ: ધી સ્પિરિચ્યુલ યાત્રા, બંસરી નાદ, નારી હૈ નારાયણી: યત્ર નારયસ્તુ પુજયન્તે, અર્જુન ઉવાચ: મા પર્વ, અર્જુન ઉવાચ: આધ્યાત્મિક જાત્રા, અર્જુન ઉવાચ: ચલો રામ બને અને અધૂરાં પ્રેમની કહાની જેવાં પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત તેઓ કૃપ લિટરેચર ફેસ્ટિવલનું પણ દર વર્ષે આયોજન કરે છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)