વડોદરાના આ સરકારી આર્યુવેદિક દવાખાનામાં લાગે છે લાંબી લાઈનો!
વડોદરા: શહેરમાં એક વ્યક્તિને વિચિત્ર કહી શકાય એવો રોગ થઇ ગયો. જેમાં ગમે એટલા પ્રયત્ન કરે તો પણ આંખની પાપણ ઊંચી થાય જ નહી. આંખ ખુલ્લી રાખવા માટે પાપણને આંગળીથી પકડી રાખવી પડે અને તો જ જોઇ શકાય. આ રોગથી મુક્તિ મેળવવા માટે ૧૫૦થી વધુ તબીબો પાસે કન્સલટેશન કરવામાં આવ્યું. દવાખાનામાં દાખલ થયા. પણ સારૂ ના થયું. આખરે માયસ્થેનિયા ગ્રેવીસની બિમારીનું નિદાન થયું. થાકી હારી આ વ્યક્તિ પહોંચ્યા વડોદરાના એક સરકારી આયુર્વેદિક દવાખાને, થોડા દિવસોની સારવાર બાદ દર્દીને બિમારીથી મુક્તિ મળી. આંખની પાપણ ઢળી જવાના ઉક્ત કિસ્સામાં આયુર્વેદમાં આવા રોગને વાતહતવર્ધમા તરીકે ઓળખવામાં આવે છે.પ્રથમ દ્રષ્ટિએ આ વાત માનવામાં ના આવે પણ સત્ય છે. વડોદરા શહેરના વાડી તરસાલી વિસ્તારમાં આવેલા સરકારી આયુર્વેદિક દવાખાનામાં સારવાર કરાવવા માટે દર્દીઓ વહેલી સવારથી લાઇન લગાવે છે. ત્યાં માત્ર વડોદરા કે ગુજરાતના જ નહી પણ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આવે છે. તેનું કારણ છે ત્યાં કાર્યરત વેદ્ય સારિકા જૈન.એલોપથીમાં અસાધ્ય ગણાતા, મનાતા અનેક પ્રકારના રોગની અહીં સચોટ સારવાર કરવામાં આવે છે. સાજા થયેલા દર્દીઓને જોઇ અન્ય દર્દીઓ પણ આ સરકારી દવાખાનામાં સારવાર માટે દોડી આવે છે. વડોદરા શહેર પૂર્વે વેદ્ય સારિકા જૈન ભીલાપૂર ખાતે સરકારી આયુર્વેદિક દવાખાનમાં ફરજ બજાવતા હતા.છેલ્લા ૨૦ વર્ષથી આયુર્વેદની પ્રેક્ટિસ કરતા સારિકા જૈન 2009થી રાજ્ય સરકારમાં આયુર્વેદિક મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે જ્યાં-જ્યાં ફરજ બજાવી ત્યાં-ત્યાં દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધી ગઇ. અત્યાર સુધીમાં તેમણે અંદાજે ત્રણ લાખથી વધુ દર્દીઓની સારવાર કરી છે. ભીલાપૂર ખાતે પ્રતિ દિન સરેરાશ એક સો દર્દીઓ અને વડોદરામાં તરસાલી ખાતે સવારમાં 40 અને બપોર બાદ 20 એમ બન્ને પાળી ઉપરાંત દવા આપવાના દર્દીઓ મળી 80થી 85 દર્દીઓને સેવા આપવામાં આવે છે.“આકૃતિ કથયતે ગુણાનામ્” એ નાતે આમ તો સારિકાબેન દર્દીઓને જોઇને જ કહી શકે કે દર્દીને ક્યો રોગ છે? ઉદાહરણ તરીકે, એમના એક સાથી તબીબ પોતાના પરિજનને પેટમાં વાયુની ફરિયાદ સાથે સારવાર માટે આવ્યા. સારિકાબેને કહ્યું કે, દર્દીને પથરી છે. પહેલા તો તબીબ માન્યા નહી પણ સોનોગ્રાફી કરાવતા પથરીનું નિદાન થયું. ત્યારે પેલા તબીબ માન્યા!તેઓ આધુનિક વિજ્ઞાન સાથે તાલ મેળવી દર્દીઓને જરૂરી તમામ રિપોર્ટ કરાવવાનો આગ્રહ રાખે છે. એ રિપોર્ટના આધારે જ દર્દીની સારવાર કરવામાં આવે છે. તેઓ સિદ્ધાંતોના ચુસ્ત આગ્રહી છે, ક્રમાનુસાર જ દર્દીઓનું નિદાન કરે. દર્દીઓ પાસે આહાર, વિહાર, વિચારની શુદ્ધિ, નિયમિતતાના કડક આગ્રહી છે.સામાન્ય રીતે આટલી મોટી નામના મેળવ્યા બાદ તબીબો સરકારી સેવામાંથી મુક્ત થઇ જતાં હોય છે. પણ સારિકાબેન સરકારના માધ્યમથી જનસેવા છોડવાના નથી. તેઓ કહે છે કે, “તબીબીકર્મમાં અર્થોપાર્જનનો હેતું આવે ત્યારે સારવાર યોગ્ય રીતે થઇ શકતી નથી. સરકારી ફરજમાં હું દર્દીઓ સાથે ભાવથી જોડાઉ છું અને તેના કારણે દર્દીઓનો મારામાં વિશ્વાસ વધે છે. મારી પાસે અઢળક કિસ્સાઓ છે કે, જે દૂરદૂરથી અહીં રડતા રડતા આવે અને સારા થઇને જાય છે. મારા કર્મથી મને સંતૃષ્ઠિ મળે એથી વિશેષ બીજું શું હોઇ શકે?”તેઓ કહે કે, સોશ્યલ મીડિયામાં આવતી આયુર્વેદિક દવાઓની ટીપ્સના આધારે શરીર ઉપર અખતરા કરવા જોઇએ નહીં. તજજ્ઞ તબીબોની સલાહ મુજબ જ દવાઓનો ઉપયોગ કરવો જોઇએ.