જસ્ટિન ટ્રુડોએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે હાલમાં કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઓફર કરી હતી. ટ્રુડોએ તેમના નિવેદનને ધ્યાન ભટકાવનારું વ્યૂહાત્મક નિવેદન ગણાવ્યું હતું. તેમણે હાલમાં જ કહ્યું હતું કે આવું નથી થવાનું. કેનેડાના લોકોને કેનેડિયન હોવા પર બહુ ગર્વ છે. અમે અમેરિકન નથી.

હાલમાં ટ્રમ્પે કેનેડાને 51મું રાજ્ય બનાવવાની ખુલ્લી ઓફર આપી હતી. આ સાથે ટ્રમ્પે ભારે ટેરિફ લગાવવાની વાત પણ કરી હતી, પણ એના જવાબમાં ટ્રુડોએ કહ્યું હતું કે જો અમેરિકા ટેરિફ વધારશે તો અમેરિકી લોકોએ વધેલી કિંમતોની ચુકવણી કરવી પડશે. ઓઇલ, ગેસ, વીજ, સ્ટીલ, એલ્યુમિનિયમ, લાકતાં અને ક્રોન્ક્રીટ સહિત અમેરિકી કસ્ટમર કેનેડામાંથી જેકાંઈ ખરીદશે, એ અચાનક મોંઘું થશે.

તેમણે 2018ના વેપાર વિવાદ દરમ્યાન કેનેડા તરફથી કાઉન્ટર ટેરિફના ઉપયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં હેન્ઝ કેચઅપ, પત્તાં, બોરબોન ને હાર્લી ડેવિડસન મોટરસાઇકલ જેવો અમેરિકી માલસામાન હતો. અમે એવું નથી કરવા ઇચ્છતા, કેમ કે એનાથી કેનેડાના લોકો માટે કિંમતો વધી જાય છે.

બીજી બાજુ, કેનેડામાં વિપક્ષના નેતા પિયરે પોલીવેરે પણ આ મુદ્દે નિવેદન આપતાં કહ્યું હતું કે કેનેડા એક મહાન અને આઝાદ દેશ છે. અમેરિકા અમારો શ્રેષ્ઠ મિત્ર દેશ છે. અમે અમેરિકન્સને અલ-કાયદા દ્વારા 9/11ના હુમલાનો જવાબ આપવામાં મદદ કરવા માટે અબજો ડોલર ખર્ચ્યા અને સેંકડો લોકોએ બલિદાન આપ્યા. અમે અમેરિકાને અબજો ડોલરની ઉચ્ચ ગુણવત્તાની અને સંપૂર્ણપણે ભરોસાપાત્ર ઊર્જાનો સપ્લાય કરીએ છીએ, જે બજાર કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે છે.