જૂનાગઢમાં ખેડૂત પરિવારમાં જન્મ. માતા-પિતા બન્ને શિક્ષક એટલે ઉછેર મોટાભાગે દાદીમાએ જ કર્યો. સ્વાભાવિક રીતે જ દાદીમા સાથે લાગણીનું બંધન હોય જ. 12 સાયન્સમાં સારા ટકા સાથે પાસ થયા પછી સ્કૂલના મિત્રો કાં તો રાજ્ય બહાર અને કાં તો દેશ બહાર ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા હતા. એમના પણ ઓસ્ટ્રેલિયા ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિઝા આવી ગયા. ટિકિટ પણ આવી ગઈ, પરંતુ દાદીમાએ રોકી લીધા અને કહ્યું, તારે જૂનાગઢમાં રહીને જ સમાજના લોકોને ફાયદો થાય તેવું જ કામ કરવાનું છે.
દાદીમાની લાગણીને વશ થઇને એમણે કૃષિ યુનિવર્સિટીમાં બી.એસ.સી.માં પ્રવેશ મેળવ્યો. B.Sc. બાદ નવસારી જઈને M.Sc. કર્યું. જૂનાગઢ યુનિવર્સિટીમાંથી જ Ph.D. કર્યું. જુનાગઢ યુનિવર્સિટી માટે ક્લાસ-1 & 2ની પરીક્ષા પાસ કરીને કપાસ સંશોધન કેન્દ્રમાં જોડાયા. અહીં જ રિસર્ચ કર્યું અને એ દિવસ આવ્યો, જ્યારે એમની સિધ્ધિની નોંધ છેક આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી.
આંતર પાક પદ્ધતિના ફાયદા
- એકમ વિસ્તારમાંથી એક જ સમયમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે.
- બે કે વધુ પાકો ખેતરમાં જુદા-જુદા વાવવા કરતાં સાથે જ હારમાં વવાતાં હોવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે.
- કઠોળ પાકોનો આંતરપાકમાં સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
- આંતરપાક પદ્ધતિમાં છીંછરા અને ઉંડા મૂળવાળા પાકોનું વાવેતર કરવાથી જમીનમાં જુદા-જુદા સ્તરમાં રહેલા ફળદ્રુપતાનો લાભ પાકને મળી રહે છે.
સામાન્ય ખેડૂત પરિવારમાંથી આજે વૈશ્વિક સ્તરે નોંધ લેવાય તેવા વૈજ્ઞાનિક બનવા સુધીની સફરમાં ડૉ. અમિત પોલરાની મહેનતની સાથે-સાથે પરિવાર અને મિત્રોનો સાથ પણ એટલો જ મળ્યો છે. આગળ પણ તેઓ સામાન્ય ખેડૂતોને ઉપયોગી થાય તેવાં રિસર્ચ કરી રહ્યા છે. ડૉ. અમિત પોલરાનું કહેવું છે કે એવોર્ડ મળે એ જરૂરી નથી. પરંતુ ખેડૂતો માટે જે કામ થઈ રહ્યું છે, જે રિસર્ચ થઈ રહ્યું છે એ તેમના સુધી પહોંચે એ જરૂરી છે. જેમ કે જૂનાગઢ યુનિવર્સિટીનો વિસ્તરણ વિભાગ ખેડૂતો માટે લેબ ટુ લેન્ડ નામનો કાર્યક્રમ કરે છે. ખેડૂતના ઘરે-ઘરે જાય, ખેડૂત સભા કરે, કૃષિ મહોત્સવ કરે છે. ખેડૂતોને લિફલેટ આપે, SMSથી માહિતી પહોંચાડે છે. ટેક્નોલોજી મારફતે અથવા તો બીજા કોઈ માધ્યમથી ખેડૂતો સુધી માહિતી પહોંચી રહી છે એ વાત વધારે મહત્વની છે અને એ જ સાચા અર્થમાં એવોર્ડ મળ્યા સમાન છે.
હાલમાં ડૉ. અમિત પોલરા નેશનલ અને સ્ટેટ લેવલના અલગ-અલગ 19 પ્રકારના સંશોધન પર તેઓ કામ કરી રહ્યા છે. દવા વગરની ખેતી પદ્ધતિ ઉપર પણ તેઓ સંશોધન કરી રહ્યા છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)