ઝારખંડ: હેમંત સોરેન સરકારની કેબિનેટનું ગુરૂવારે વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં ત્રણ ગઠબંધન પક્ષો (જે.એમ.એમ.-કોંગ્રેસ-આર.જે.ડી.)ના 11 ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા. હેમંત સોરેનના શપથ ગ્રહણ પહેલા, સ્ટીફન મરાંડીએ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. જેમણે પાછળથી અન્ય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.કોંગ્રેસના રાધાકૃષ્ણ કિશોર, જેઓ હેમંત સોરેન સરકારનો હિસ્સો હતા, તેમણે પ્રથમ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ ઝારખંડની છતરપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. ધારાસભ્ય તરીકે આ તેમની ચોથી ટર્મ છે. તેઓ કોંગ્રેસ, જેડીયુ અને ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે. શપથ લીધા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ત્યારબાદ ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળના સંજય પ્રસાદ યાદવે શપથ લીધા. આ પહેલીવાર છે જ્યારે તેઓ મંત્રી બન્યા છે. તેઓ ગોડ્ડા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને અગાઉ પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે. આ પછી જે.એમ.એમ.ના રામદાસ સોરેને શપથ લીધા. ચંપાઈ સોરેનના રાજીનામા બાદ પણ તેમને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ ત્રીજી વખત ઘાટસીલાથી ધારાસભ્ય ચૂંટાયા છે અને બીજી વખત મંત્રી બન્યા છે.