શેરબજારને આ બજેટે સાવ નવો જ અનુભવ કરાવ્યો છે. બજેટની સાથે-સાથે શેરબજાર સતત એવું વધતું રહયું હતું કે જાણે બજારમાં બેન્ડ, બાજા અને બારાત જેવું વાતાવરણ થઈ ગયું હતું. બજેટ પ્રવચન પૂરું થયું ત્યાંસુધીમાં સેન્સેકસ ૧૭૦૦ પોઈન્ટ ઉપર વધી ગયો હતો, જેનો એક અર્થ એ થઈ શકે કે બજારે બજેટને આવકાર્યુ છે. આગલા છ દિવસમાં લગભગ ૪૦૦૦ પોઈન્ટ તૂટી ગયેલો સેન્સેકસ સોમવારે ૨૩૦૦ પોઈન્ટથી વધુના વધારા સાથે ૪૮ હજારને પાર કરી ગયો હતો. આમ તો બજેટ ખાસ શેરબજાર માટે બનતું નથી, કિંતુ બજારનો વધારો કે ઘટાડો બજેટ વિશે ચોક્કસ સંકેત જરૂર આપે છે. બજાર રાજી થવાનો અર્થ એ થઈ શકે કે બજેટ ગ્રોથલક્ષી-વિકાસલક્ષી છે. જે આર્થિક પુનરુત્થાનને ગતિ આપશે એવી આશા નક્કર બની છે. જેને પરિણામે જીડીપી ગ્રોથ ધારણા મુજબ પોઝિટિવ થશે. ઉત્પાદન ક્ષેત્રને અપાયેલા પ્રોત્સાહનથી આ પ્રવૃતિને વેગ મળશે, રોજગાર સર્જન થશે, યુવા વર્ગ માટે પણ તક વધશે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીને પણ યુવા વર્ગને સજજ થવાનો પડકાર અને તક આપ્યા છે. પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટીવ્ઝ (પીએલઆઈ)ના વિસ્તાર મારફત બજેટે ઉત્પાદન પ્રવૃત્તિને વેગ આપવાનું બળ પુરું પાડયું છે.
ડિસઈન્વેસ્ટમેન્ટ માર્ગે
ડિસઈન્વેસ્ટમેન્ટના પ્લાન તેમ જ બેંકોને મૂડી સપોર્ટ આપવાની જાહેરાત, ઈફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવાની નીતિ, વગેરે મૂડીબજાર માટે સારામાં સારા સમાચાર કહી શકાય, તેથી જ છેલ્લા ૨૦ વરસમાં પહેલીવાર એવું બન્યું છે કે બજેટને દિવસે શેરબજાર આટલે મોટેપાયે વધ્યું છે. બજેટને દિવસે આમ તો માર્કેટ ઘટવાના રેકોર્ડ વધુ છે, કિંતુ આ વખતે સેન્સેક્સ ૨૩૧૪ પોઈન્ટ ઉછળ્યો અને નિફટી ૬૪૬ પોઈન્ટ વધ્યો છે. આગલા સપ્તાહમાં જે ટ્રેન્ડ રિવર્સ થઈ જતો લાગ્યો હતો એ અચાનક જ બજેટના દિવસે સદંતર પોઝિટિવ થઈ ગયો હતો. બેંક નિફ્ટી ૨૫૨૩ પોઈન્ટ વધીને ૩૩ હજાર ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ ૪૮૬૦૦ બંધ અને નિફ્ટી ૧૪૨૮૧ બંધ રહ્યો હતો. બજેટે કેપિટલ માર્કેટની ભૂમિકા વધારી દીધી છે. ખાસ કરીને કોપોરેટ બોન્ડ્સ માર્કેટ વિકસાવવાની વાત કરીને અને ડિસઈન્વેસ્ટમેન્ટ માર્ગે ભંડોળ ઊભું કરવાનું લક્ષ્ય રાખીને. કેપિટલ ગેઈન ટેકસ વધારવાનું ટાળીને પણ સરકારે ડહાપણ દાખવ્યું છે. જો કે સ્માર્ટ રોકાણકારો વચ્ચે વચ્ચે નફો અંકે કરવામાં સાર સમજે. બાકી લાંબા ગાળાનો અભિગમ રાખે.
એલઆઇસીનો આઈપીઓ
સામાન્ય વર્ગને ત્યાંને ત્યાં
મોદી સરકારનું બજેટ સામાન્ય-મધ્યમ વર્ગ પર બોજ લાવ્યું નથી, પરંતુ વેપાર-ઉધોગને ભરપૂર પ્રોત્સાહન આપનારું ચોક્કસ કહી શકાય એવું છે. ઈન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર નહી કરીને નાણાંપ્રધાને આ વિષયને હેમખેમ રહેવા દીધો છે, જેનાંથી ઘણાંને રાહત તો ઘણાંને નારાજગી પણ થઈ છે. જો કે કોઈ નવો બોજ આવ્યો નથી તેનું આશ્વાસન ચોક્કસ લઈ શકાય. જો કે ૭૫ અને તેથી મોટી ઉંમરના સિનીયર સિટીઝન્સને આઈટી રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવાની જાહેરાત ભ્રામક જણાય છે. ખરેખર તો આ વર્ગને નક્કર રાહતની જરુર હતી અને છે. કોવિડ-સેસ આવવાની શકયતા ઊંચી હતી, તેમછતાં તેને ટાળીને સરકારે આ ખર્ચ સંપૂર્ણપણે પોતે ઉપાડી લીધો છે. એટલું જ નહીં, કોવિડ સામેની લડાઈ ચાલુ રાખવાની પણ જાહેરાત કરી છે. જો કે એગ્રી-સેસ નામે અઢી ટકાનો બોજ નાંખી દીધો છે.