ઉદવાડા: વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું ઉદવાડા એ પારસી સમુદાય માટે એક પવિત્ર સ્થાન છે. અહીં સ્ટેશન સ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં પારસીઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. ઇરાનથી સ્થાળાંતર કરી આવેલા પારસી સમુદાયના લોકો સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને આતશબહેરામ કહેવાય છે એની અહીં સ્થાપના કરવામાં આવી હતી.વિધર્મીઓના ત્રાસના કારણે ઇરાનથી ગુજરાતમાં પારસી સમુદાય આવ્યો અને દૂધમાં સાકર ભળે એમ ભારતીય સંસ્કૃતિ સાથે ભળી ગયો. હાલ ભારતમાં શિક્ષણ, સ્વાસ્થ, સંરક્ષણ, ધંધા, રોજગાર, ઉદ્યોગ ક્ષેત્ર, કલાક્ષેત્રથી માંડી તમામ ક્ષેત્રે પારસી સમુદાયે ખભે ખભા મિલાવી રચનાત્મક કાર્યો કરે છે.આ સમુદાયના સાંસ્કૃતિક મુલ્યો સચવાય અને સૌ પારસીઓ એકઠા થાય એ માટે દર બે વર્ષે ઇરાનશાહ ઉદવાડા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાંજ ઉદવાડામાં ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગના સહયોગથી ‘ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ઓફ ઉદવાડા ‘દ્વારા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.પારસી સમાજના પંથકી સામ ચિત્રલેખા.કોમને કહે છે, સતત “ત્રણ દિવસ ચાલેલા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવમાં સમુહ પ્રાર્થના સાથે શરૂઆત થઇ હતી. રાજ્ય સરકારના મંત્રી કનુભાઇ દેસાઇ, શાપુર મિસ્ત્રી અને બુર્જોર લોર્ડ, હોસ્ટ વિરાફ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત થઇ. પ્રથમ દિવસે સોવિનિયર લોન્ચ કરવામાં આવ્યું. આ સાથે ગરબા, પારસી કોમેડી નાટક મુંગી સ્ત્રી અને મર્લિન્સ ફિલ્મટ્રોનિક્સ એન્ડ ધ લેજન્ડસ-અ મ્યુઝિકલ પર્ફોર્મન્સ રજૂ કરાયા. ઉત્સવના બીજા દિવસે હેરિટેજ વોક, વક્તવ્યો-પરિસંવાદ અને કૂકરી શોનું આયોજન થયું. આ સાથે ટ્રેઝર હન્ટ, પારસીઓ ઇરાનથી જે સ્થિતિમાં સંઘર્ષ કરીને રહ્યા, અત્યાચાર સહન કર્યો અને સ્થળાંતર કર્યું એ સમયની ગાથા રજૂ કરતું હ્રદય દ્વાવક સ્ટેજ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે ટાયરો ટ્રાન્ફોર્મેશન ડાન્સ પરફોર્મન્સ બુઝિન એન્જિનિયર અને મ્યુઝિક ફ્રોમ ધ હાર્ટ શહેજાદ કરંજિયા અને બેન્ડ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.ઇરાનશાહ ઉદવાડા ઉત્સવના આ પ્રસંગે પારસી સમુદાય ધર્મના વડાઓ, ઉદ્યોગપતિઓ, નામાંકિત કલાકારો, શ્રેષ્ઠીઓ અને સમાજના લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિથી આખાય ઉદવાડામાં ભવ્ય મેળાવડાનું વારાવરણ ઉભું થયું હતું. પારસી સમુદાયે ભેગા મળી ધર્મ, નાટક, ગીત સંગીત, વાનગીઓ, પહેરવેશ સાથે સંસ્કૃતિને માણ્યા.