ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. હવે બંને દેશો IPL અને PSLને લઈને આમને-સામને જોવા મળી રહ્યા છે. આ વખતે આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ અને પીએસએલ એટલે કે પાકિસ્તાન સુપર લીગ લગભગ એકસાથે યોજાશે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં રમાનારી PSL 2025 માં એપ્રિલથી મે વચ્ચે રમાશે. PSL 8 એપ્રિલથી શરૂ થશે અને 19 મે સુધી ટૂર્નામેન્ટ રમાશે. જયારે 2025 IPL 15 માર્ચથી 25 મે વચ્ચે રમાશે. આ રીતે IPL અને PSL સામસામે આવી જશે.
પાકિસ્તાનને થઈ શકે છે નુકસાન?
પાકિસ્તાન સુપર લીગ અગાઉ ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે રમાતી હતી, પરંતુ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર પણ પાકિસ્તાન પાસે છે. ઉલ્લેખનીય છે કે, IPL વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ છે અને દુનિયાભરના લોકો તેને જોવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સુપર લીગ માટે IPL સાથે સ્પર્ધા કરવી આસાન નહીં હોય. IPLની સાથે આયોજિત ઈવેન્ટને કારણે પાકિસ્તાનને મોટું નુકસાન થઈ શકે છે.
IPL ના વેચાયેલા ખેલાડીઓ PSL રમશે
થોડા સમય પહેલા સામે આવેલા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે IPL 2025ની મેગા ઓક્શનમાં જે ખેલાડીઓ વેચાયા ન હતા એ PSLમાં રમતા જોવા મળશે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર અને ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન સહિત ઘણા પ્રખ્યાત વિદેશી ખેલાડીઓ આ વર્ષની મેગા ઓક્શનમાં વેચાયા વગરના રહ્યા. આ સિવાય ડેરેલ મિશેલ, શે હોપ, જેમ્સ વિન્સ, એલેક્સ કેરી, રાયલો રુસો, જેસન હોલ્ડર, ક્રિસ જોર્ડન, તબ્રેઈઝ શમ્સી, એવિન લુઈસ અને અલઝારી જોસેફ જેવા પ્રખ્યાત નામો છે, જેમને આઈપીએલમાં કોઈ ખરીદનાર નથી મળ્યો. આવી સ્થિતિમાં, આમાંથી કયો ખેલાડી PSLમાં જોવા મળે છે તે જોવું રસપ્રદ રહેશે.