પતિ-પત્નીની બેમિસાલ જોડી…
ડો. સીમા રાવ અને મેજર ડો. દીપક રાવ
જેમણે છેલ્લા ૨૦ વર્ષોમાં ભારતીય સેનાના હજારો વીરજવાનોને કમાન્ડો તાલીમ આપી છે, કોઈ ફી લીધા વગર.
સીમા રાવ ભારતનાં પ્રથમ મહિલા કમાન્ડો ટ્રેનર અને એકમાત્ર એવા મહિલા ઈન્સ્ટ્રક્ટર છે જે ભારતીય વિશેષ દળોને તાલીમ આપે છે, તો એમનાં પતિ મેજર દીપક રાવ મિલિટરી ટ્રેનર, ફિઝિશન, લેખક, ગ્રાન્ડમાસ્ટર અને ઝેન ફિલોસોફર છે.
આ મુંબઈનિવાસી પતિ-પત્ની ‘ક્લોઝ ક્વાર્ટર બેટલ’ (CQB)ની તાલીમના મહારથી છે. ૨૦૦૩માં એમણે મુંબઈમાં એકેડેમી ઓફ કોમ્બેટ ટ્રેનિંગની સ્થાપના કરી હતી.
જવાનોને યુદ્ધકૌશલની તાલીમ આપવા માટે સીમાએ સ્કૂબા ડાઈવિંગ, માઉન્ટેનિયરિંગ, તાઈકવોન્ડોની તાલીમ લીધી હતી. મેજર દીપક સાથે લગ્ન થયા બાદ એમની પાસેથી માર્શલ આર્ટની તાલીમ લીધી. એર રાઈફલ શૂટિંગમાં પણ મહારથી બની ગયા.
આધુનિક જમાનામાં જે ત્રાસવાદ-વિરોધી જંગ ખેલાય છે તે ક્લોઝ ક્વાર્ટર ઓપરેશન હોય છે. અક્ષરધામ મંદિર, સંસદભવન, તાજ હોટેલમાંના ત્રાસવાદી હુમલા અને ઉરીમાંના સર્જિકલ હુમલા આનાં દ્રષ્ટાંત છે.
સીમા રાવ મિલિટરી માર્શલ આર્ટ્સમાં ૭-ડિગ્રી બ્લેક બેલ્ટ ધારક છે, ડીપ સી ડાઈવર, સ્કાઈડાઈવર, રાઈફલ શૂટર, ફાયર-ફાઈટર, પરંપરાગત દવાઓનાં ડોક્ટર છે તેમજ ક્રાઈસીસ મેનેજમેન્ટમાં પીએચડી સાથે એમબીએ પણ થયાં છે.
દીપક રાવ તો એક આમ નાગરિકની જેમ જીવન જીવતા હતા, પણ એમને ભારતીય સેના માટે કંઈક પ્રદાન કરવાની પ્રબળ ઈચ્છા હતી. એટલે એમણે CQBમાં સંશોધન કર્યું અને ભારતીય સૈનિકોને તાલીમ આપવાનું નક્કી કર્યું. એ માટે આકર્ષક નાણાકીય વળતર આપતી મેડિકલ કારકિર્દીને છોડી દીધી.
૨૦૦૦માં તેઓ સિયાચીનમાં સૈનિકોને તાલીમ આપવા માટે નીકળી પડ્યા. ૨૦૦૬-૦૮માં આર્મી CQBને આધુનિક બનાવવાનું નક્કી કરાયું અને કમાન્ડરોએ દીપક રાવને આમંત્રિત કર્યા હતા. 2011માં દીપક રાવને ઈન્ડિયન આર્મીની TA પેરા બટાલિયનમાં સામેલ કરવામાં આવ્યા હતા. આગળ જતાં એમને મહેન્દ્ર સિંહ ધોની અને અભિનવ બિન્દ્રાની સાથે ટેરિટોરિયલ આર્મી અને ઈન્ડિયન આર્મીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા.
રાવ દંપતીએ દેશના લશ્કરી વડાઓ તરફથી અનેક પ્રશસ્તિપત્રો મેળવ્યા છે. ૨૦૦૯માં, પતિ-પત્નીએ સાથે મળીને CQB ઉપર દુનિયાનું પ્રથમ એન્સાઈક્લોપીડિયા પુસ્તક લખ્યું હતું. ૨૦૧૦માં ભારત સરકારે એમને દેશના ૧૨ રાજ્યોના પોલીસતંત્રના એન્ટી-ટેરર સ્ક્વોડ યુનિટને આધુનિક શસ્ત્ર તાલીમ આપવાની સત્તા આપી હતી.
મહાન બ્રુસ લીનું જે સર્જન છે, તે જીત-કૂન-ડો (JKD) માર્શલ આર્ટના રાવ દંપતી નિષ્ણાત છે અને મુંબઈમાં બ્રુસ લી JKD મુંબઈ ચેપ્ટર નામે કોમ્બેટ ફિટનેસ એકેડેમી ચલાવે છે.
નારી શક્તિ પુરસ્કારથી સમ્માનિત સીમા રાવની સલાહ છે: ‘જિંદગી ટૂંકી છે એટલે તમારે તમારા જુસ્સા પ્રમાણે આગળ વધવું જ પડે. પડકારો તમને નબળા પાડી ન દે એનું ધ્યાન રાખવું. દેશ માટે ભલે નાની રીતે પણ હું કંઈક પ્રદાન કરી શકી છું એનો મને ગર્વ છે.’
તો દીપક રાવનું સૂત્ર છે: ‘દેશ તમારા માટે શું કરે એ ન પૂછો, તમે દેશ માટે શું કરી શકો છો એ કહો.’
દેશની સીમાઓનું રક્ષણ કરતા જવાનોને વિશેષ તાલીમ આપતા આ નિડર અને નિર્ભય દંપતીને સલામ કરવી જ પડે.