ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ડે-નાઇટ મેચ આવતી કાલથી એડિલેડમાં

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચ આવતી કાલે છઠ્ઠી ડિસેમ્બરથી એડિલેડમાં રમાવાની છે. આ મેચ ડે-નાઇટ હશે. આ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાશે. પર્થમાં જીત મેળવનારી ટીમ ઇન્ડિયાની નજર એડિલેડમાં ચાર વર્ષ જૂનો હિસાબ ચૂકતે કરવા પર હશે.

આ પહેલાં એડિલેડમાં જ પિંક બોલથી ટેસ્ટ મેચ રમાઈ હતી. ટીમ ઇન્ડિયા એ મેચમાં 36 રનમાં ઓલઆઉટ થઈ હતી. જોકે એક સિરીઝ જીતવામાં સફળ રહી હતી. ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટ મેચમાં આત્મવિશ્વાસથી રમશે. આત્મવિશ્વાસ એ પણ છે કે ભારત 2016 પછી ક્યારેય બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યું નથી.

બીજી ટેસ્ટ મેચ એડિલેડના ઓવલ સ્ટેડિયમમાં રમાશે. જે ભારતીય સમયાનુસાર સવારે 9.30 કલાકથી શરૂ થશે. જેના અડધા કલાક પહેલાં ટોસ થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની બંને ટીમોના પ્લેઇંગ 11માં ફેરફાર નિશ્ચિત છે. ભારતીય ટીમમાં ઓછામાં ઓછા બે ફેરફાર થશે. રોહિત શર્મા અને શુભમન ગિલની વાપસી થશે. દેવદત્ત પડિક્કલ અને ધ્રુવ જુરેલને ટીમ બહાર થવાની શક્યતા છે. રોહિત મિડલ ઓર્ડરમાં રમતો જોવા મળવાની શક્યતા છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને તક મળી શકે છે. ઓસ્ટ્રેલિયામાં જોશ હેઝલવુડ ઈજાગ્રસ્ત છે તો તેના સ્થાને સ્કોટ બોલેન્ડનો સમાવેશ થાય એવી સંભાવના છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, નીતીશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર કે રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.