ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટ 14મી જાન્યુઆરીથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહી છે. ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટીમનું નેતૃત્વ લક્ષ્ય સેન અને પીવી સિંધુ કરશે. આ ટૂર્નામેન્ટમાં ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર એક્સેલસન, એન સે યંગ અને વર્લ્ડ નંબર 1 ખેલાડી શી યુકી જેવા સુપરસ્ટાર પોતાનો જાદુ ફેલાવતા જોવા મળશે. ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની મેચ ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ અને કે કેડી જાધવ ઈન્ડોર હોલમાં રમાશે. આ સિવાય આ ટૂર્નામેન્ટમાં ભારતના કુલ 21 ખેલાડીઓ ભાગ લેશે.
‘વિશ્વ મંચ પર ભારતીય બેડમિન્ટનનો વિકાસ અને ઉદય…’
ભારતીય બેડમિન્ટન એસોસિએશનના જનરલ સેક્રેટરી સંજય મિશ્રાએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સુપર 750 સ્પર્ધામાં આટલા ભારતીય ખેલાડીઓની ભાગીદારી દર્શાવે છે કે ભારતીય બેડમિન્ટનનો વિશ્વ સ્તરે કેટલો વિકાસ થયો છે. વિશ્વ મંચ પર ભારતીય બેડમિંટનના વિકાસ અને ઉદયની આ એક નોંધપાત્ર નિશાની છે. તેમણે વધુમાં કહ્યું કે, આ તો માત્ર શરૂઆત છે – 2025 એવું વર્ષ હશે જેમાં મોટા નામોની સાથે વધુ નામો પણ સામેલ થશે. આ ટૂર્નામેન્ટની અગાઉની આવૃત્તિમાં ભારતના 14 ખેલાડીઓએ ભાગ લીધો હતો, પરંતુ આ વખતે આ સંખ્યા વધીને 21 થઈ ગઈ છે.
ભારતીય બેડમિંટનના ઇતિહાસ પર એક નજર..
ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ 2023માં ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ તેઓ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. આ બંને દિગ્ગજ ખેલાડીઓએ મેન્સ ડબલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ સિવાય એચએસ પ્રણય ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2024ની મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં પહોંચી ગયો હતો. ચાઇના માસ્ટર્સ 2024 સેમી ફાઇનલિસ્ટ ચિરાગ અને સાત્વિક મેન્સ ડબલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. વાસ્તવમાં પેરિસ ઓલિમ્પિક બાદ સાત્વિક ઈજાને કારણે મેદાન પર વધારે જોવા મળ્યો નથી. તેથી, આ ખેલાડી માટે ફરીથી ફોર્મ મેળવવું એક મોટો પડકાર હશે.