દેશ ભરમાં ચૂંટણીને લઈ માહોલ ગરમ બની રહ્યો છે. ત્યારે રાજ્યમાં તીજા તબક્કાની ચૂંટણીને લઈ તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂક્યા હતા. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. જેથી એવું કહી શકાય કે આજે ચૂંટણી ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
સુરત લોકસભા બેઠકમાં રાજકારણ ગરમાયું છે. લોકસભા ચૂંટણીને લઈ ગત રવિવાર એટલે કે તારીખ 21 એપ્રિલના રોજ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. જેને લઈ કોંગ્રેસમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ઉમેદવારી ફોર્મની અરજીને લઈ હાઈ કોર્ટ સુધી જવાની વાતો કરી રહ્યું છે. ત્યારે ફરી સુરતથી ચૂંટણીને લઈ હાઈ વોલ્ટેજ સમાચાર મળી રહ્યા છે. સુરત બેઠક પર કુલ 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 8 ઉમેદવારો ચૂંટણી મેદાને હતા. જે માંથી હવે 7 ઉમેદવારો ચૂંટણી ફોર્મ પરત ખેંચી લીધા છે. જે બાદ સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ બની છે.
બિનહરીફ ઉમેદવારોનો રેકોર્ડ
જ્યારે દેશની વાત કરવામાં આવે, તો દેશમાં હાલ સુધીમાં 28 સાંસદ લોકસભામાં બિનહરીફ જીત્યા છે. 1967માં 5 સાંસદ લોકસભામાં બિનહરીફ ચૂંટાયા હતા. તો જમ્મુ કાશ્મીરમાંથી સૌથી વધુ વખત 4 સાંસદ બિનહરીફ થયેલા છે. જ્યારે પાર્ટીની વાત કરવામાં આવે તે આઝાદી બાદ 20 વખત કોંગ્રેસના સભ્યો બિનહરીફ બન્યા હતા. તો નેશનલ કોન્ફરન્સના અને સમાજવાદી પાર્ટીના 2-2 સભ્યોએ બિનહરીફ જીત મેળવી હતી. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા બિનહરીફ બન્યા હતા. તો નાગાલેન્ડના પૂર્વ મુખ્યમંત્રી સી. જમીર બિનહરીફ જીત્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વાય.બી. ચવ્હાણને પણ બીનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તો ઓડિશાના પહેલા મુખ્યમંત્રી હરેકૃષ્ણ મહતાબ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.એમ. સઈદ બિનહરીફ સાંસદ બનેલા હતા.