અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મતદાન કેન્દ્ર શહેરના રાણીપ વિસ્તારની નિશાંત સ્કૂલમાં છે. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહનું મતદાન કેન્દ્ર નારણપુરા વિસ્તારના કામેશ્વર મહાદેવની બાજુમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં છે. વડાપ્રધાન અને ગૃહ મંત્રી ગુજરાતના સ્થાનિક હોવાથી જબરજસ્ત લોક ચાહના ધરાવે છે. સભા સરઘસમાં તો એમને જોવા મળવા ટોળા ઉમટી પડે પણ મતદાન કરવા આવે ત્યારે એક અલગ જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં લોકો પક્ષના ઝંડા, પ્લેકાર્ડ, ખેસ, ટોપીઓ સાથે સમગ્ર વિસ્તારમાં માર્ગોની બંને તરફ ગોઠવાઇ ગયા હતા.રાણીપના બલોલ નગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પગપાળા મતદાન મથક સુધી લોકોનું અભિવાદન ઝિલતા ઉમળકા સાથે પહોંચ્યા હતા. નિશાંત સ્કૂલમાંથી જ્યારે નરેન્દ્ર મોદી મતદાન કરીને પરત ફર્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા. પ્લેકાર્ડ લઇને ઉભેલા બાળકોને જઇને મળ્યા. બાળકોને વ્હાલથી માથે હાથ ફેરવી સાંત્વના આપી.. ઓટોગ્રાફ આપ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)