કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં CM અને TMC સુપ્રીમો મમતા બેનરજીએ ઇન્ડિયા ગઠબંધનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સંકેત આપ્યા હતા કે જો તક મળશે તો આ ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે તેઓ તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવામાં સક્ષમ છે.
તેમણે તાજેતરની હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં INDIA ગઠબંધનના ખરાબ પ્રદર્શન પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો તક આપવામાં આવે તો હું INDIA ગઠબંધનનો નેતૃત્વ કરવા તૈયાર છું.તેમણે જણાવ્યું હતું કે હું બંગાળના CM તરીકે મારી ભૂમિકા ચાલુ રાખીને પણ વિપક્ષનો મોરચો સંભાળવાની બેવડી જવાબદારી સંભાળી શકું છું. મેં INDIA ગઠબંધનની રચના કરી હતી. હવે તેનું સંચાલન કરવાની જવાબદારી મોરચાનું નેતૃત્વ કરનારાઓની છે. જો તેઓ તેને ચલાવી ન શકતા હોય તો હું શું કરી શકું? હું માત્ર એટલું જ કહીશ કે આપણે બધાને સાથે લઈને ચાલવું પડશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એક મજબૂત ભાજપ વિરોધી દળ તરીકેની પ્રતિષ્ઠા હોવા છતાં તમે શા માટે INDIA ગઠબંધનનો હવાલો નથી લઈ રહ્યા? તેના પર મમતા બેનરજીએ જણાવ્યું હતું કે જો મને તક મળશે તો હું તેનું સુચારુ રીતે ચલાવી શકું છું. હું બંગાળની બહાર જવા માગતી નથી, પરંતુ હું તેને અહીંથી પણ ચલાવી શકું છું.
STORY | Willing to lead INDIA bloc if given opportunity: Mamata.
READ: https://t.co/poleZfFdsZ pic.twitter.com/gff3W236qG
— Press Trust of India (@PTI_News) December 7, 2024
ભાજપનો મુકાબલો કરવા માટે રચાયેલા INDIA ગઠબંધનમાં બે ડઝનથી વધુ વિપક્ષના દળો સામેલ છે. જોકે આંતરિક મતભેદ અને સંકલનના અભાવને કારણે તેની ઘણી વખત ટીકા થઈ છે. મમતા બેનરજીનું આ નિવેદન તેમની પાર્ટીના સાંસદ કલ્યાણ બેનરજીએ કોંગ્રેસ અને અન્ય INDIA ગઠબંધનના સાથીદારોને લઈને આપેલા નિવેદન બાદ આવ્યું છે કે કોંગ્રેસ અને INDIA ગઠબંધને પોતાના અહંકારને બાજુ પર રાખવો જોઈએ અને મમતા બેનરજીને વિપક્ષના ગઠબંધનના નેતા તરીકે માન્યતા આપવી જોઈએ.