અમદાવાદ: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ મુદ્દે એક પત્રકાર પરિષદને સંબોધિત કરી. જેમાં તેમણે જણાવ્યું કે, “ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલાં ડ્રગ્સના દુષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને આદેશ આપ્યા હતા.” હર્ષ સંઘવીએ હાકલ કરી કે, સંતો-મહંતો નેતાઓ-અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકોએ ‘એક પરિવાર’ બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપવો. “ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે”, એમ તેમણે ઉમેર્યું હતું. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું, “ડ્રગ્સ સામે ઘૂંટણીયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યું છે. ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા અને નાર્કોટેરેરિઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે. કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેકગણા વધો રૂપિયા કમાવી આપતો વેપાર છે. પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા તત્પર છે. જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે.”