ફૂદીનાનો ઉપયોગ ચા અને પાણીપુરી સિવાય પણ છે

ફૂદીનો. નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી ગયું ને? પાણી પુરી યાદ આવી ગઈ ને? કે પછી ફૂદીનાવાળી ચા યાદ આવી ગઈ? ફૂદીનાનાં પાંદડાનો ઉપયોગ ચટણી અને પીણાં તૈયાર કરવામાં વધુ થાય છે. ફૂદીનાનાં લીલાં પાંદડાં ઘણા ગુણકારી હોય છે. તેનાં પાંદડાઓની પ્રકૃત્તિ ઠંડી હોય છે જે ઉનાળા જેવી ઋતુમાં પેટને શીત રાખવામાં કારગર છે.

ફૂદીનો પાચન ક્રિયાને સારી કરવા અને મોઢાની દુર્ગંધ દૂર કરવામાં પણ કામમાં આવેછે. આમ તો ફૂદીનાનાં પાંદડા આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદારૂપ હોય છે, પરંતુ સાથે તેનાં પાંદડામાંથી તૈયાર થતી ચટણી આપણી ત્વચા માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે.

ફૂદીનાનાં પાંદડાઓમાં મિથૉલ અને બૅક્ટેરિયા વિરોધી ગુણ જોવામાં આવ્યા છે. ઉનાળામાં ત્વચા સાથે સંબંધિત અનેક તકલીફો થાય છે. પરંતુ ફૂદીનાની મદદથી આ સમસ્યાઓને ખતમ કરી શકાય છે. ચહેરા પર થતા ખીલ, તડકાના કારણે ત્વચાને થતી હાનિ, અળાઈ, લાલ ચાઠાં પડી જવા જેવી ત્વચાની સમસ્યા માટે ફૂદીનાનાં પાંદડા ફાયદારૂપ સાબિત થશે.

કઈ યુવતી તેની ત્વચા માટે આજકાલ ચિંતિત નથી? તડકામાં જતી વખતે યુવતીને એક જ ડર સૌથી વધુ લાગતો હોય છે. તેની ત્વચા કાળી તો નહીં પડી જાય ને? પરંતુ આ ડર રાખવા જેવો નથી. તડકાના ડરથી અને ત્વચા કાળી પડી જવાના ડરથી બહાર નીકળવાનું બંધ તો નહીં કરી શકાય. કામ હોય, ભણવાનું હોય તો બહાર તો જવું જ પડે. પરંતુ તેના માટે ઉપાયો જરૂર કરવા જોઈએ.

ત્વચા માટે મુલતાની માટી ઘણી સારી હોય છે. તે ત્વચામાં તેલને નિયંત્રિત કરી સફાઈ માટે તે ઘણી સારી છે. મુલતાની માટીની સાથે ફૂદીનાનાં પાંદડા, મધ અને દહીંને એક સાથે ભેળવો અને તેને ૨૦ મિનિટ માટે ત્વચા પર લગાડી રાખો. જ્યારે તે સૂકાઈ જાય તો સામાન્ય પાણીથી તેને ધોઈ નાખો. તે ત્વચાને ભેજવાળી કરીને તૈલી ત્વચાને સારી કરી દે છે.

ગુલાબજળ ત્વચાના પીએચ સ્તરને વધુ સારું કરી વધારાના તેલને નિયંત્રણમાં રાખવામાં સહાય કરે છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ જોવામાં આવ્યા છે. ફૂદીનાનાં પાંદડાની સાથે મધ અને ગુલાબજળ મેળવીને ચહેરા પર લગાડો. સૂકાઈ જાય ત્યારે સામાન્ય પાણીથી ચહેરો ધોઈ નાખો. તે તમારી ત્વચાને મુલાયમ બનાવવા ઉપરાંત ભીની પણ રાખશે.