રાષ્ટ્રીય પાટનગર દિલ્હી બીમાર છે. પ્રદૂષણને કારણે. હજી ગઈ કાલે રવિવારે ત્યાં હવામાન સ્વચ્છ હતું, પણ આજે હવામાં પ્રદૂષણ ચાર ગણું વધી ગયું છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ, આજે સવારે 9 વાગ્યે દિલ્હીમાં એર ક્વાલિટી ઈન્ડેક્સ (વાયુ ગુણવત્તા સૂચકાંક) 304નો નોંધાયો હતો. હવામાન વિભાગે AQI વધારે બગડવાની ચેતવણી આપી છે.
છેલ્લા ત્રણેક સપ્તાહથી દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ગંભીર રીતે ખરાબ થઈ રહ્યું છે. એને ‘ખરાબ’ શ્રેણીમાં મૂકી દેવાયું છે.
રવિવારે AQI 232 હતો, પણ ગયા શુક્રવારે 370 હતો.
હવામાં પ્રદૂષણનું સ્તર (AQI) 0-50 સુધીનું હોય તો હવા સારી કહેવાય, 51-100 વચ્ચે હોય તો સંતોષજનક, 101-200 વચ્ચેનું હોય તો સામાન્ય, 201-300 હોય તો ખરાબ, 301-400 હોય તો બહુ ખરાબ અને 401-500 વચ્ચે હોય તો એને ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવે છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માનવા મુજબ, ભારતમાં એકલું દિલ્હી જ નહીં, પણ દેશના કુલ 70 શહેરોમાં પણ હવાથી પ્રદૂષિત છે. આ તમામ શહેરોમાં હવાની ગુણવત્તામાં બગાડો થયો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વચ્છ હવાને માનવ અધિકાર તરીકે જાહેર કરી છે.
ભારતમાં, એક તરફ હવામાં પ્રદૂષણનું સ્તર વધતું જાય છે અને બીજી બાજુ શિયાળો પણ બેસી ગયો છે ત્યારે હવાની ગુણવત્તા વધારે બગડવાની ભીતિ છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અભ્યાસ મુજબ, દક્ષિણ ભારતના તિરુપતિ, તિરુવનંતપુરમ સહિતના શહેરોમાં પણ હવાની ગુણવત્તા બગડી છે. ત્યાં એમણે AQI સારામાંથી સંતોષજનક અને સામાન્ય સુધી નીચે ઉતારી દીધું છે.
જો AQI સંતોષજનક લેવલ પર હોય તો પણ લોકોને શ્વાસ લેવામાં મામુલી તકલીફ પડી શકે છે અને એ લેવલ તો સામાન્ય પર જાય તો અસ્થમા તથા હૃદયની બીમારીવાળાઓને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના દાવા મુજબ, વિશ્વભરમાં હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે 70 લાખ લોકો મૃત્યુ પામે છે. આમાં એક-તૃતિયાંશ મરણ હૃદયરોગના હુમલા, સ્ટ્રોક, ફેફસાંના કેન્સરથી અને શ્વાસની તકલીફને કારણે થાય છે.