ટિકીટ વહેંચણીનું કમઠાણઃ કોંગ્રેસ ભાજપ બંનેમાં

ભારતીય રાજકારણમાં ટિકિટની વહેંચણી બહુ અગત્યનો પ્રસંગ છે. દેશનું રાજકારણ કેવો આકાર લેશે તેનો નિર્ણય મુખ્ય રાજકીય પક્ષો દ્વારા કઈ રીતે ઉમેદવારોની પસંદગી થશે તેના આધારે થતો હોય છે. બંને પક્ષના ઉમેદવારો નક્કી થઈ જાય તે સાથે જ મતદારોનો વિકલ્પ મર્યાદિત થઈ જાય છે. ભારતમાં હજી સુધી ચૂંટણી મુક્ત રીતે થતી આવી છે, પરંતુ તેમાં મતદારો સામે વિકલ્પોને મર્યાદિત કરીને મૂકવામાં આવે છે. બંને પક્ષ તરફથી અમુક જ જ્ઞાતિના, અમુક જ પ્રકારના ઉમેદવારો પસંદ થતાં રહે છે અને મતદારોએ બે નબળામાંથી ઓછો નબળો ઉમેદવાર જ પસંદ કરવાનો રહે છે.
મતદારોની આ નારાજગીને ધ્યાન રાખીને નોટા બટન ઉમેરવામાં આવ્યું છે. નોટા એટલે નન ઑફ ધ અબોવ – ઉપરમાંથી એકેય મૂરતિયા ચાલે તેવા નથી. પરંતુ નોટા બટન દબાવાથી પરિણામમાં કોઈ ફરક પડતો નથી. છેલ્લા ચારેક વર્ષમાં થયેલી ચૂંટણીઓમાં કેટલાક જગ્યાએ 3થી પ ટકા સુધીના મતો નોટામાં ગયા છે. ગુજરાતમાં પણ છેલ્લી 2017ની ચૂંટણીમાં નોટાનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું હતું. પરંતુ નોટાના મતોને ગણતરીમાં લેવામાં આવતા નથી. તે એક અપક્ષ ઉમેદવાર જેવું જ કામ કરે છે. અમુક પ્રકારના મતો કાપી નાખે એટલે તમુક પ્રકારના ઉમેદવાર ફાવી પણ જાય.
કોંગ્રેસ અને ભાજપમાં ટિકિટોની વહેંચણીની કમઠાણ મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં ચાલી રહી છે, તેની વાત કરતાં પહેલાં નોટાના સંદર્ભમાં જાગેલી બીજી એક શક્યતાની પણ ચર્ચા કરી લઈએ. નોટા સાથે એસસી-એસટી કાયદામાં સુધારાને જોડવામાં આવી રહ્યો છે. કેવી રીતે? મધ્ય પ્રદેશમાં એસટી અને રાજસ્થાનમાં એસસીની વસતિ ઘણી છે. આ બંને જૂથો રાજી થાય તે રીતે સરકારે કાયદામાં સુધારો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એસસી-એસટી એક્ટમાં બહુ કડક જોગવાઈ છે. ફરિયાદ થાય કે તરત ધરપકડ થઈ જાય છે. તે જોગવાઈ રદ કરવામાં આવી, પણ કેન્દ્ર સરકારે કાયદામાં સુધારો કરીને કાયદાને ફરી કડક બનાવ્યો.
હવે ચૂંટણી છે એ રાજ્યોમાં, અને અન્ય રાજ્યો પણ, બિનઅનામત વર્ગના લોકો સતત આ કાયદાના મામલે નારાજી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક જાણાકારોએ તાળો મેળવ્યો છે. તેઓ કહે છે કે આમ પણ બિનઅનામત વર્ગના લોકો બોલકા હોય છે તેઓ સતત સરકારને ભાંડી રહ્યા છે કે સરકાર એસસી-એસટીની જ ભેર તાણે છે. આવી સરકાર ના જોઈએ એવું પણ આ વર્ગના લોકો બોલે છે. તેથી તાળો એવો મેળવાયો છે કે સરકાર વિરુદ્ધની આ બહારથી દેખાડા ખાતરની નારાજીથી એસસી-એસટીને એમ થશે કે આ સરકાર તો સારી છે. આ સરકાર આપણું વિચારે છે, માટે આપણે આ સરકારને જવા ના દેવાય. તેથી બે શક્યતા છે. કાંતો વર્તમાન સરકારને જ મત આપશે અને નહિતો નોટા દબાવશે. નોટા દબાવે તોય ફાયદો છે, કેમ કે જાહેરમાં સરકારને ભાંડતો બિનઅનામત વર્ગ મત તો વર્તમાન સરકારને આપવાનો છે. જેથી સરવાળે થયો ફાયદો.
એ ફાયદો થાય કે ન થાય, પરંતુ કોંગ્રેસને મધ્યપ્રદેશમાં સરકાર સામેના અસંતોષને કારણે બહુ ફાયદો થઈ રહ્યો હતો, તે ફાયદો પક્ષના આંતરિક અસંતોષને કારણે ધોવાઈ જશે તેવી ચર્ચા પણ ચાલી છે. આ અઠવાડિયું બંને મુખ્ય પક્ષો માટે અગત્યનું છે, કેમ કે ઉમેદવારોની યાદી બહાર પાડવાની છે. રાબેતા મુજબ જ બંને પક્ષોમાં ટિકિટો મેળવવાના મુદ્દે ધમાસાણ મચી છે. પરંતુ ચર્ચા વધારે કોંગ્રેસની જ થતી હોય છે, કેમ કે કોંગ્રેસની જૂથબંધી ખુલ્લેઆમ ચાલતી હોય છે. દિગ્વિજયસિંહને ચૂંટણી પ્રચારથી દૂર રાખવામાં આવ્યા છે, પણ મધ્ય પ્રદેશના સંગઠનમાં ઠેર ઠેર તેમના માણસો બેઠા છે. તેમને ટિકિટ અપાવવા માટે તેમણે પૂરતું જોર લગાવ્યું. તેના કારણે જ્યોતિરાદિત્યના જૂથમાં ભારે નારાજી હતી. કમલ નાથનું જૂથ પણ ખેલ જોઈ રહ્યું છે અને મોકો મળશે ત્યારે ઘા મારશે. આ ત્રણ મુખ્ય જૂથ ઉપરાંત નાનું પણ અગત્યનું જૂથ અરુણ યાદવનું છે. યાદવ જૂથને દૂર રાખવા ક્યારેય કોંગ્રેસના અન્ય ત્રણ જૂથમાંથી બે જૂથ ભેગા પણ થઈ જતા હોય છે. જોકે અત્યારે તો તેમના પુત્ર સચિન યાદવને ટિકિટ અપાઈ છે, પણ બીજા ટેકેદારો માટે ટિકિટનું દબાણ ચાલુ જ છે.
અત્યાર મધ્યપ્રદેશમાં સ્થિતિ એવી છે કે કોંગ્રેસનો પ્રચાર સાવ ઠપ થઈ ગયો છે અને જૂથોના નેતાઓ ટિકિટો માટે દોડાદોડી કરી રહ્યા છે. રાબેતા મુજબ જૂથો વચ્ચે સમાધાન ના થઈ શક્યુ ત્યારે મામલો છેક દિલ્હી પહોંચ્યો હતો. રાહુલ ગાંધીનું જૂના નેતાઓ માનતા નથી, તેથી સોનિયા ગાંધીએ બધા નેતાઓને પોતાના બંગલે બોલાવવા પડ્યા હતા. અહમદ પટેલ, ખડગે, ગેહલોત જેવા પીઢ નેતાઓને વચ્ચે રાખીને ટિકિટોની ફાળવણી કરવી પડી છે. તે રીતે આખરે 155 ટિકિટો નક્કી થઈ ગઈ છે. ઓછો વિવાદ હોય ત્યાં પહેલાં ઉમેદવારો નક્કી થયા છે. બીજી યાદી પણ એ રીતે આવશે અને છેલ્લે સૌથી વધુ વિવાદ વાળી બેઠકો નક્કી થશે.
જય આદિવાસી યુવા શક્તિના નેતા હિરાલાલ અલાવાને ટિકિટ આપી દેવાઈ છે. હિરાલાલને કારણે આદિવાસી મતોમાં કોંગ્રેસને ફાયદો થશે તેવી ગણતરી છે. દિગ્વિજય સિંહના ભાઈ અને પુત્ર બંનેને ટિકિટ આપી દેવાઈ છે. સિંધિયાના વર્ચસ્વવાળા ગ્વાલિયર-ચંબલ વિસ્તારની અને કમલ નાથના વર્ચસ્વવાળા મહાકૌશલ વિસ્તારની ટિકિટોની વહેંચણી હજી બાકી છે. લાગે છે કે દિગ્વિજયસિંહને પહેલા થાળે પાડ્યા પછી હવે આ બંને જૂથોની મરજી પ્રમાણે બાકીની ટિકિટો વહેંચાશે.ભાજપમાંથી આવેલા ત્રણ ભૂતપૂર્વ ધારાસભ્યોને પણ ટિકિટ આપી દેવાઈ છે. અને છેલ્લે કોંગ્રેસે ઘા મારીને શિવરાજસિંહના સાળા સંજય સિંહને પણ ખેડવી નાખ્યા છે. મુખ્યપ્રધાન શિવરાજસિંહના સાળા સંજય સિંહનો દબદબો રહ્યો છે, પણ કોઈક કારણસર નારાજી પછી, અથવા વળતા પાણી જોઈને સાળા સંજય સિંહ મચાન કોંગ્રેસમાં જતા રહ્યા છે.
ભાજપે 177 ઉમેદવારો જાહેર કરી દીધા છે, પણ ભાજપ માંય ધમાલ મચેલી જ છે. ખુદ મુખ્યપ્રધાનના સાળા જતા રહ્યા તે પછી ભાજપના વધુ એક જાણીતા કુટુંબમાંથી બળવો થાય તેવી શક્યતા છે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બાબુલાલ ગૌરના પૂત્રવધુએ ધમકી આપી છે કે પોતાને ટિકિટ નહિ મળે તો ભાજપમાંથી રાજીનામું આપી દેશે. તેમની ફરિયાદ છે કે સગાવાદ ના નામે પોતાને ના પાડવામાં આવે છે, પણ ભાજપમાં અનેક નેતાઓના સંતાનોને અને સગાઓને ટિકિટો મળી જ છે. તે સંજોગોમાં જો બાબુલાલ ગૌરને ટિકિટ ના આપવાની હોય તો પોતાને મળવી જોઈએ તેવી માગણી કૃષ્ણા ગૌરે કરી છે. બાબુલાલનું નામ બહુ સીડીને કારણે બહુ બદનામ થયું હતું, તેથી ભાજપ તેમને ટિકિટ આપવાની નથી અને કૃષ્ણા ગૌરને પણ ના આપે તેવી શક્યતા છે.
મોકો જોઈને કોંગ્રેસે ગૌર પરિવારનો સંપર્ક શરૂ પણ કરી દીધો છે એમ મનાય છે. અહેવાલો અનુસાર ખુદ કમલ નાથે બાબુલાલ ગૌરનો સંપર્ક કર્યો છે. સંજય સિંહ મચાનને લઇ આવવામાં પણ કમલ નાથની મુખ્ય ભૂમિકા રહી છે. ગોવિંદપુરા બેઠકની ટિકિટ પોતાને મળે તે માટે કૃષ્ણા ગૌરે ટેકેદારોને બોલાવીને બેઠક પણ કરી હતી. આ બેઠકના પ્રભાવી બારેલાલ અહિરવાર સહિતના નેતાઓ પણ તેમના ટેકામાં હોવાનું કહેવાય છે. કોંગ્રેસે સ્થાનિક નેતા ગોવિંદ ગોયલને પણ ગૌરના ઘરે મળવા માટે મોકલી દીધા હતા. ગુજરાત ચૂંટણી વખતે ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે આઇ. કે. જાડેજાના ટેકેદારો સહિત ઘણા નેતાઓએ ટિકિટ ના મળી ત્યારે વિરોધ કર્યો હતો. એવા જ દૃશ્યો ભોપાલમાં ભાજપના કાર્યાલયમાં આજકાલ જોવા મળી રહ્યા છે. મુંગાવલી બેઠક પર ભાજપે કે. પી. યાદવને ટિકિટ આપી તેના વિરોધમાં બાઈસાહેબ યાદવ જૂથના લોકો કાર્યાલય પર પહોંચી ગયા હતા. ભાજપના કેન્દ્રીય નેતા પ્રભાત ઝા અને પ્રદેશ પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધેની કારને રોકીને ઘેરાવ કરવામાં આવ્યો હતો.
ધાર જિલ્લાના સરદારપુરના ધારાસભ્ય વેલસિંહ ભૂરિયાને ભાજપે આ વખતે ટિકિટ આપી નથી. તેથી તેમના સમર્થકોના વાહનોનો મોટો કાફલો મુખ્યપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યો હતો. શિવરાજસિંહે તેમને મનાવવાની કોશિશ કરી હતી, પણ તેઓ નારાજી સાથે પાછા ફર્યા હતા તેમ મનાઇ છે. જોકે પોતે ભાજપ છોડશે કે કેમ તે વિશે ભૂરિયા હજી સુધી કશું કહ્યું નથી.
ભાજપે 177 અને કોંગ્રેસ 155 ઉમેદવારો જાહેર કરી દીધા પછી હવે બીજી યાદીની તૈયારી ચાલી રહી છે. દિવાળીના તહેવારો પર જ ટિકિટો નક્કી કરવાની આવી હોવાથી રાજકીય રીતે ફટાકડા ફૂટી રહ્યા છે. હવે બંને પક્ષો એકબીજાની રાહ જોઈ રહ્યા છે, કે જેથી યાદીમાં નામ ના હોય અને નેતા નારાજ થાય ત્યારે સામો પક્ષ તેને પોતાનામાં આવકારી લે. દિવાળીના તહેવારોમાં પણ આમ પણ પ્રચાર અને સભાઓ થઈ શકે તેમ નથી ત્યારે કોંગ્રેસ અને ભાજપના બંનેના જૂથો પોતાના ટેકેદારોની દિવાળી સુધારવા માટે કામે લાગેલા છે. ટિકિટ મળે કે ના મળે આ વખતની દીવાળી તો બગડી જ છે…