દશેરામાં ફાફડા-જલેબી કેમ?

ખાણી-પીણીની શોખીન એવી ભારતીય પ્રજાએ ઘણાખરા તહેવારોને કોઈ ને કોઈ વાનગી સાથે સાંકળી લીધા છે. અત્યારે બધે ગરબાની રમઝટ જામી છે, એટલે આપણે નવરાત્રિની પૂર્ણાહુતિ નિમિત્તે, એટલે કે દશેરાના દિવસની ખાસંખાસ ખાણી-પીણીની ઉજવણીની વાત કરીએ.

વિજયાદશમીનો તહેવાર એ અસત્ય સામે સત્ય અને અધર્મ સામે ધર્મના વિજયનું મહત્ત્વ સમજાવતો તહેવાર છે. આપણે ત્યાં જુદાં જુદાં રાજ્યોમાં એની ઉજવણી અલગ અલગ રીતે થાય છે.

જેમ કે કર્ણાટકના મૈસૂરમાં દશેરાની ભવ્ય ઉજવણીનું મુખ્ય આકર્ષણ હાથીઓની શોભાયાત્રા છે. એ દિવસે ત્યાંની પરંપરા પ્રમાણે ઓબટ્ટુ નામની પૂરણપોળી જેવી વાનગી સાથે બિસી બેલે ભાત બનાવવામાં આવે છે.

પશ્ચિમ બંગાળમાં વિજયાદશમીના દિવસે દુર્ગાપૂજાની ઉજવણીનું સમાપન થાય છે. સિંદૂર ખેલા અને તાલબદ્ધ ધૂનુચી નૃત્ય ત્યાંનાં મુખ્ય આકર્ષણ છે, તો બંગાળની મીઠાઈ તરીકે જાણીતો શોંદેશ કે સંદેશ, તેમ જ રસગુલ્લા અને કોકોનટ લાડુ આ તહેવારની વાનગીઓમાં મોખરાનું સ્થાન પામે છે.

ઉત્તર પ્રદેશ, બિહાર તથા દિલ્હીમાં નવરાત્રિનો ઉપવાસ કરતા લોકો ખીર-પૂરી અને બેસનના લાડુથી એની પૂર્ણાહુતિ કરે છે. કેરળમાં સદ્યા અથવા પાયસમ જેવી વાનગીઓ દશેરા નિમિત્તે આરોગવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં આપટા વૃક્ષનાં પાનની પૂજા, શમીપૂજા સાથે શસ્ત્રપૂજા અને વાહનની પૂજા પણ દશેરા નિમિત્તે કરવાનો રિવાજ છે. એ દિવસે મહારાષ્ટ્રમાં ઘણા લોકો વેડમી, એટલે કે આપણી પૂરણપોળી, ખાય છે.

અને ગુજરાતની વાત કરીએ તો નવરાત્રિના નવ દિવસ ગરબા રમ્યા પછી દશેરાના દિવસે સવારે જલેબી તેમ જ ફાફડા ખાઈને આપણે આ વિજયના તહેવારની ઉજવણી કરીએ છીએ.

આપણે ત્યાં નવરાત્રિના ગરબા દરમિયાન ઉપવાસ રાખ્યા પછી અને નવ રાત ગરબા રમ્યા પછી વધુ ગ્લુકોઝ ધરાવતી જલેબી તાત્કાલિક ઊર્જા આપે છે અને ફાફડામાં રહેલો અજમો પાચનમાં મદદ કરે છે. પ્રાદેશિક તહેવારો સાથે જોડાયેલી આ પરંપરા છે.

દશેરાના દિવસે ફાફડા-જલેબી સાથે ખાવાની શરૂઆત ક્યાંથી કે કઈ રીતે થઈ એની નક્કર માહિતી તો ઉપલબ્ધ નથી, પરંતુ દશેરામાં જલેબી-ફાફડા ખાવાની પરંપરા આપણી સામુદાયિક ઉજવણીનો મોટો ભાગ બની ગઈ છે.

આ એક દિવસમાં સમગ્ર ગુજરાતમાં લાખો કિલો ફાફડા-જલેબીનું વેચાણ થાય છે. સૌરાષ્ટ્રમાં તો ફાફડા એ લગભગ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત લેવાતો સવારનો નિયમિત નાસ્તો હોવાથી ત્યાં અલગ અલગ પ્રકારની મીઠાઈ તેમ જ ખાજા જેવી વાનગી આ તહેવારમાં લોકો ખાય છે.

ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ દશેરાના દિવસે જલેબી-ફાફડા ખાવાની પરંપરા છે, જેમાં પૌરાણિક માન્યતા, સ્વાદનું સંતુલન અને સાંસ્કૃતિક ઉજવણીનો સુંદર સમન્વય જોવા મળે છે.

આ વિષય અંગેનું પૌરાણિક મહત્ત્વ અથવા માન્યતા પણ રસપ્રદ છે. લોકપ્રચલિત માન્યતા મુજબ ચાસણીમાં તરબોળ કરકરી જલેબીનો સંબંધ શષ્કુલી નામની પ્રાચીન મીઠાઈ સાથે છે, જેને ભગવાન રામની પ્રિય માનવામાં આવે છે, તો બેસન એટલે કે ચણાના લોટમાંથી બનાવવામાં આવતા ફાફડાને ભગવાન હનુમાન સાથે સાંકળવામાં આવે છે.

એવી માન્યતા છે કે નવરાત્રિના ઉપવાસ પૂર્ણ થયા પછી ફાફડા અને જલેબી ખાવાથી અસત્ય પર સત્ય અને દુષ્ટતા પર સદાચારના વિજયની ઉજવણી થાય છે. આ આધ્યાત્મિક મહત્ત્વની સાથે સ્વાદના સુમેળની ચર્ચા કરીએ તો ફાફડાનો ખારો અને કરકરો સ્વાદ જલેબીની મીઠાશ અને રસાળપણાની સાથે એક સુંદર, સ્વાદિષ્ટ વિરોધાભાસ બનાવે છે. નવરાત્રિના ઉપવાસ અથવા નવ રાત સુધી ગરબે રમ્યા પછી શરીરને ઊર્જા આપવા માટે પણ આ વાનગીનો આનંદ લેવામાં આવે છે.

આ વાનગીનું મહત્ત્વ માત્ર દશેરા સાથે જોડાયેલું નથી. ફાફડા એ ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. મૂળ તો ગુજરાતમાં લોકો નવરાત્રિની છેલ્લી રાતે વળતી સવાર સુધી ગરબા રમતા હતા. તે સમયે પરંપરાગત ફાફડા સિવાય અન્ય વિકલ્પ ઓછા મળતા હોવાથી ભૂખ લાગતાં ફાફડા-જલેબી ખાઈને લોકો ઘરે રવાના થતા.

આ પ્રથા એની લોકપ્રિયતાને લીધે તહેવારની જરૂરી વાનગી બની ગઈ અને એ ધીમે ધીમે દશેરા સાથે જોડાઈ ગઈ. એક અન્ય પૌરાણિક માન્યતા મુજબ ઉપવાસ તોડવા માટે ચણાના લોટમાંથી બનેલી વસ્તુ ખાવાની પરંપરા છે. આથી પણ કદાચ લોકો દશેરાએ ફાફડા ખાઈને નવરાત્રિના ઉપવાસ પૂરા કરતા હોય એમ બની શકે.

ટૂંકમાં, વિજયાદશમીનો તહેવાર એ ભારતભરમાં એક મુખ્ય પર્વ તરીકે ઊજવાય છે, જેમાં જે-તે પ્રાંતની પ્રખ્યાત વાનગી, ખાસ તો મીઠાઈનો આહારમાં સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારે દશેરા ઊજવીને આપણે આ તહેવારનો આનંદ માણીએ છીએ.

તહેવારની રોનક પરંપરાગત મહત્ત્વ સાથે આનંદ માણીને સ્વાદિષ્ટ આહાર લેવાથી જળવાય છે, એ ચોક્કસ છે. આથી આપણે પણ આવી માન્યતાઓનું સન્માન ચોક્કસપણે કરીએ. જોકે, સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ વસ્તુનું અતિશય સેવન આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. વ્યક્તિગત સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તહેવારોની ઉજવણી કરીએ તો વાંધો નહીં.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)