આ બચૂકડાં બિયાં છે બડાં ગુણકારી

આહાર-વિહારની કૉલમમાં આ વખતે વાંચો, કેટલાક વાચકમિત્રોના સવાલના જવાબ:

પ્રશ્ન: બજારમાં મળતાં અલગ અલગ પ્રકારનાં સીડ્સ ખરેખર ફાયદાકારક છે?

– શિલ્પા રૂપારેલ (ભાવનગર)

ઉત્તર: બજારમાં મળતાં સનફ્લાવર સીડ્સ, ફ્લેક્સ સીડ્સ, વૉટરમેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ, ચિયા સીડ્સ, તલ, વગેરે ઓમેગા-૩  તેમ જ ઓમેગા-6  ફૅટી ઍસિડનાં સ્રોત છે, જે તમારું મેટાબોલિઝમ નિયમિત કરવા ઉપરાંત હાડકાંની તંદુરસ્તી માટે ઉપયોગી છે. સીડ્સમાં રહેલાં ફાઈબર તમારા કૉલેસ્ટરોલને કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ થશે તો વિટામિન ઈ, જે તથા વિટામિન કે વાળ અને સ્કિનનું ડેમેજ અટકાવશે.

અમુક પ્રકારનાં સીડ્સ (જેમ કે સનફ્લાવર સીડ્સ તેમ જ ફ્લેક્સ સીડ્સ)માં આલ્ફા લિપોલિક ઍસિડ જેવા એસેન્શિયલ ફૅટી ઍસિડ પણ મળે છે, જે હૃદય માટે સારા છે. આ કારણે કેટલાક ડૉક્ટર્સ હાર્ટ પેશન્ટ માટે સનફ્લાવર ઑઈલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

તકમરિયાં એટલે કે ચિયા સીડ્સનો દરરોજ એક ચમચી જેટલો વપરાશ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કૉલેસ્ટરોલ ઘટાડવા ઉપરાંત હાડકાં તથા સ્નાયુઓને મજબૂત કરવા માટે ઉપયોગી બનશે. ચિયા સીડ્સની પ્રકૃતિ પ્રવાહીમાં ફૂલવાની હોવાથી એના ઉપયોગથી ભૂખ ઓછી લાગે છે આથી વજન કન્ટ્રોલ કરવામાં પણ એ કામ આવશે. કહેવાય છે કે ચિયા સીડ્સમાં પાલક કરતાં પણ વધુ આયર્ન અને ઑરેન્જ કરતાં પણ વધુ વિટામિન સી  મળે છે. એનો ઉપયોગ દૂધ અથવા પાણીમાં પલાળીને કરવો. જાંબુનાં બિયાંનો પાવડર પણ ખનિજ તત્ત્વોથી ભરપૂર છે અને ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ માટે એનો ઉપયોગ ઔષધિ સમાન છે. આમ એક સમયે ફ્રૂટમાંથી ફેંકી દેવામાં આવતાં આ સીડ્સનું મહત્ત્વ લોકો સમજી રહ્યા છે અને એનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

પ્રશ્ન: મારાં મમ્મીને ડાયાબિટીસ છે. આ વ્યાધિ વારસાગત હોવાનું કહેવાય છે તો મને ડાયાબિટીસ ના આવે એની માટે મારે શું કરવું જોઈએ?

– કૃતિ ગણાત્રા (અમદાવાદ)

ઉત્તર: તમારાં માતા-પિતામાંથી કોઈ એકનેય ડાયાબિટીસ છે તો તમને પણ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાના ચાન્સ છે, પરંતુ ફૅમિલીમાં જેમને ડાયાબિટીસ છે એ કયા પ્રકારનું છે એ જાણવું જરૂરી છે એટલે કે ટાઈપ વન  (ઈન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ) છે કે પછી ટાઈપ ટુ  (નૉન-ઈન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ) છે એના પર આધાર રાખે છે. અગર ટાઈપ ટુ ડાયાબિટીસ છે તો એવાં સ્ત્રી-પુરુષનાં બાળકોને ડાયાબિટીસ વારસાગત મળવાના ચાન્સ છે, પરંતુ હા, આ પ્રકારના ચાન્સને નિવારવા માટે આહાર તેમ જ લાઈફસ્ટાઈલ ચેન્જિસ પણ એટલાં જ અસરકારક સાબિત થઈ શકશે.

તમારી આહારની નિયમિતતા તેમ જ હેલ્ધી ફૂડ હૅબિટ, જંક ફૂડ-ફાસ્ટ ફૂડનું ઓછું પ્રમાણ, વેઈટ કન્ટ્રોલ કરવા માટે નિયમિત કસરત-યોગ જેવી શારીરિક પ્રવૃત્તિનો દૈનિક જીવનમાં સમાવેશ કરવો જરૂરી છે. વધુપડતી મીઠાઈ, ચૉકલેટ્સ, કોલ્ડ ડ્રિન્ક્સ, બહારના જ્યુસ અને ફૅટ્ટી પ્રોડક્ટ્સનો ઉપયોગ ઘટાડવો. રેસાયુક્ત ખાદ્ય પદાર્થો, જેવા કે બધા જ પ્રકારનાં કઠોળ (બાફેલાં કે ફણગાવેલાં), સૅલડ, ફ્રૂટ્સ, સીડ્સ, વગેરેનો નિયમિત આહારમાં ઉપયોગ કરવાથી તમે ડાયાબિટીસની શક્યતા ઘટાડી શકશો.

પ્રશ્ન: કયા પ્રકારનું નમક (મીઠું) વાપરવું સલાહભર્યું છે? દરિયામાંથી મળતું મીઠું કે પછી સિંધવ નમક (રૉક સૉલ્ટ)?

– હેતલ પટેલ (રાજકોટ)

ઉત્તર: આમ જોવા જઈએ તો નમક અને ખાંડ એ બન્ને ધીમાં ઝેર છે એવી માન્યતા છે આથી આ બન્નેનો ઉપયોગ સંયમિત થાય એ જરૂરી છે. એના વધુપડતા ઉપયોગથી હૃદય, કિડની, મગજ, વગેરેને લગતા રોગો થઈ શકે. અલબત્ત, આપણે એ બાબત પણ સ્વીકારવી જ રહી કે નમક એ સ્વાદ વધારવા માટેનું તેમ જ ભોજનને સ્વીકાર્ય બનાવવા માટેનું મહત્ત્વનું માધ્યમ છે.

આયુર્વેદના મતે પણ નમકનો ભોજનમાં યથાયોગ્ય ઉપયોગ થાય એ જરૂરી છે. અત્યારે નમકના ઉપયોગને મુદ્દે ઘણા વિવાદ થાય છે. મારા મત પ્રમાણે સિંધાલૂણ એટલે કે સિંધવ નમક, જેને આપણે રૉક સૉલ્ટ તરીકે ઓળખીએ છીએ એમાં પચવામાં ભારે ગણાતા એવા ખોરાકને પણ પચાવવાની ક્ષમતા છે. ફરાળી વાનગીઓ મોટા ભાગે પચવામાં ભારે હોય છે આથી આવી વાનગીમાં રૉક સૉલ્ટનો ઉપયોગ કરી શકાય. ભારે કઠોળમાં પણ આ સૉલ્ટ વાપરી શકાય. બાકી, આયોડાઈઝ્ડ સમુદ્ર નમકનો ઉપયોગ નિયમિત રીતે કરી શકો. હવે તો આયોડિનની સાથે આ પ્રકારનાં નમકમાં આયર્ન, ફોલેટ તેમ જ વિટામિન બી-૧૨  પણ ફોર્ટિફાઈડ કરેલાં હોય છે એટલે એની ઊણપથી બચી શકાય.

કોઈ પણ પ્રકારનું નમક વાપરો એ નિયંત્રિત માત્રામાં વાપરવું જરૂરી છે. ટેબલ સૉલ્ટ એટલે કે કાચું નમક બને ત્યાં સુધી ન વાપરવું એ સલાહભર્યું છે. નમક એ પાચનમાં મદદ કરે છે. આ ઉપરાંત, એમાં ઘણા પ્રકારના માઈક્રોમિનરલ્સ હોય છે, જે એક પ્રકારનાં જરૂરી પોષક તત્ત્વો છે. એના દ્વારા આઈબીએસ (આંતરડાને લગતી બીમારી), ન્યુરોલૉજિકલ ડિસીઝ, પગ તૂટવા, માસિક સમયે વધુપડતો દુખાવો, વગેરે તકલીફ નિવારી શકાય છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)