પ્રશ્ન: મારા પિતાની ઉંમર 79 વર્ષની છે. થોડા સમયથી એ પથારીવશ છે અને એમને ખોરાક ગળે ઉતારવામાં તકલીફ
થઈ રહી છે. એમને કયા પ્રકારનો આહાર આપી શકાય?
– ધવલ ઠક્કર (અમદાવાદ)
ઉત્તર: ખોરાક ગળે ઉતારવામાં તકલીફ થવાની પરિસ્થિતિને ડિફેગિયા કહે છે. આ એક પ્રકારનો ન્યુરો ડિસઑર્ડર છે, જેમાં ખોરાક ગળવામાં મુશ્કેલી પેદા થાય છે. પેરોટાઈડ ગ્રંથિની ખામી એ માટે જવાબદાર છે. ભોજન દરમિયાન અથવા ભોજન પછી ખૂબ થાક લાગે, મોંમાંથી લાળ નીકળે, ખોરાક બહાર આવી જાય, વગેરે લક્ષણો સાથે આ વ્યાધિની શરૂઆત થાય છે. અન્નનળી કે ગળાનું કૅન્સર ધરાવતી વ્યક્તિને પણ આ પ્રમાણે ખોરાક ગળે ઉતારવામાં તકલીફ પડે છે તથા દુખાવો પણ થાય છે.
જાણીને નવાઈ લાગે કે આ પ્રકારના પેશન્ટને પાણી તેમ જ પાતળું પ્રવાહી ગળે ઉતારવામાં ગળામાં દુખાવો થાય છે, જ્યારે સેમિ-સોલિડ અથવા ઘટ્ટ પ્રવાહી લેવામાં ઓછી તકલીફ પડે છે, કારણ કે આ પ્રકારનો આહાર ગળાના અંદરના ભાગમાંથી ઘટ્ટ હોવાને કારણે ધીરેથી પસાર થાય છે અને ઓછી તકલીફ આપે છે.
આ સ્થિતિમાં ઘટ્ટ અથવા સેમિ-સોલિડ આહાર (દૂધ નાખીને પીસેલી ઢીલી ખીચડી, નરમ ઉપમા, શાકભાજીના ઘટ્ટ પરંતુ પીસેલા સૂપ, રાબ કે નરમ શીરો, છીણેલાં ફ્રૂટ જેવાં કે સફરજન અથવા પપૈયું) આપી શકાય. રોજિંદી કૅલરી જાળવી રાખવા દર બે-ત્રણ કલાકે એમને થોડો થોડો આહાર આપતાં રહેવું.

પ્રશ્ન: અમે વેજિટેરિયન છીએ એથી સારું પ્રોટીન મેળવવા મેં થોડા સમયથી ઘઉંના લોટમાં સોયાબીન ઉમેરવાનું શરૂ કર્યું છે, પરંતુ અમને એ પચવામાં થોડું ભારે લાગે છે. સોયાબીનનો ઉપયોગ મારે આ રીતે ન કરવો જોઈએ?
– શિલ્પા શેઠ (મુંબઈ)
ઉત્તર: શાકાહારીઓ માટે સોયાબીન એ પ્રોટીન મેળવવા માટેનો ઉમદા સ્રોત છે, પરંતુ એનો ઉપયોગ બજારમાંથી લાવીને સીધો ઘઉંમાં ઉમેરીને ન કરી શકાય, કારણ કે કાચા સોયાબીનમાં ઘણા પ્રકારનાં ઍન્ટિન્યુટ્રિશનલ ફૅક્ટર્સ રહેલાં હોય છે, જેના દ્વારા પ્રોટીનનું પાચન થવામાં મુશ્કેલી થાય છે.
એ નિવારવા માટે સોયાબીનનો ઉપયોગ કરતાં પહેલાં અમુક કાળજી લેવી જરૂરી છે: સૌપ્રથમ સોયાબીનને પાણીમાં પાંચથી છ કલાક પલાળી રાખ્યા બાદ ફોતરાં કાઢીને ૩૦ મિનિટ સુધી ખુલ્લા વાસણમાં ઉકાળીને સૂકવવાં. સુકાયેલાં સોયાબીનને થોડી વાર શેકીને એ જરૂરત મુજબ ઉપયોગમાં લઈ શકાય છે. બજારમાં મળતો સોયાબીનનો પાવડર અથવા એમાંથી તૈયાર થતી પ્રોડક્ટ્સ આ પ્રમાણેની પ્રોસેસ દ્વારા બનાવવામાં આવે છે, જેથી એની આડઅસરથી બચી શકાય અને સારા પ્રમાણમાં પ્રોટીન પણ મેળવી શકાય. તમે સોયાબીનને કોઈ પણ પ્રોસેસ કર્યા વગર ઉપયોગમાં લો તો એના પાચનમાં તકલીફ પડી શકે છે.
પ્રશ્ન: મારો દીકરો સૅન્ડવિચ માટે વ્હીટ બ્રેડ કે ગ્રાઈન્ડ બ્રેડ પસંદ કરે છે, જેના ફીલિંગમાં સૅલડ અને મેયોનીઝ હોય છે. શું મેયોનીઝ હેલ્ધી ઑપ્શન છે?
– ભારતી શાહ (રાજકોટ)
ઉત્તર: મેયોનીઝ મોટા ભાગે સૅચ્યુરેટેડ ફૅટમાંથી બનાવવામાં આવે છે અને એ ઘણુંખરું અનહેલ્ધી જ હોય છે. અલબત્ત, એની ઘણી પ્રોડક્ટ્સમાં ઝીરો ફૅટ એવું લખ્યું હોય છે, તેમ છતાંય એક ટેબલ સ્પૂન મેયોનીઝ તમને ૧૦૦ કૅલરી અને ૧૦ ગ્રામ ફૅટ આપશે. ઘણા મેયોનીઝમાં એને ઘટ્ટ બનાવવા માટે એગ યોક અને લેમન જ્યુસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, એમાં વેજિટેબલ ઑઈલ પણ ઉમેરવામાં આવે છે.

બજારમાં મળતાં આવાં મેયોનીઝમાં અનહેલ્ધી ફૅટ હોય છે અને એ ભાગ્યે જ કોઈ પોષણ આપે છે. તમે ચાહો તો પૌષ્ટિક મેયોનીઝ ઘરે પણ બનાવી શકો છો. પનીર અને થોડા કાજુનો ઉપયોગ કરીને એમાં લાલ મરચું અથવા ધાણા અને લીલાં મરચાંના ઉપયોગ દ્વારા અલગ અલગ ફ્લેવરનાં મેયોનીઝ તમે ઘરે જ બનાવી શકશો.
પ્રશ્ન: બદામ પલાળીને ખાવી જોઈએ એવું વાંચવામાં આવ્યું હતું. દરેક વખતે એ શક્ય હોતું નથી, તો પલાળ્યા વગરની બદામ ઉપયોગમાં લઈ શકાય?
– કોમલ પ્રજાપતિ (નડિયાદ)

ઉત્તર: બદામ, કાજુ, અખરોટ, અંજીર, વગેરેને પલાળીને ઉપયોગમાં લેવાં જોઈએ એ ચોક્કસપણે ફાયદાકારક છે, પરંતુ પલાળ્યા વગરનાં ડ્રાયફ્રૂટ્સ પણ નુકસાન નહીં કરે. પલાળેલાં ડ્રાયફ્રૂટ્સ કે બદામ વધુ પૌષ્ટિક છે એટલે એનો આ રીતે ઉપયોગ કરવાનું સૂચન કરાય છે, જેમ કે આખી રાત પલાળીને એને ઉપયોગમાં લેવામાં આવે તો પહેલાં તો એમાં રહેલાં નુકસાનકારક તત્ત્વો (ઍન્ટિન્યુટ્રિશનલ ફૅક્ટર્સ) નીકળી જાય છે, જેથી એ પાચન સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. આ પ્રકારનાં ડ્રાયફ્રૂટ્સમાંથી મિનરલ્સ, કૅલ્શિયમ અને આયર્ન સારી રીતે એબ્ઝોર્બ થઈ શકે છે. અંજીરમાં રહેલાં ફાઈબર્સનો ઉપયોગ પલાળીને લેવાથી વધે છે, જે હેલ્થ માટે સારું છે. પલાળેલાં ડ્રાયફ્રૂટ્સમાં ઍન્ટિઑક્સિડન્ટનું પ્રમાણ કાચાં ડ્રાયફ્રૂટ્સની સરખામણીએ વધુ હોય છે. આમ કાચા અને પલાળેલા બન્ને પ્રકારના સૂકા મેવા ફાયદો કરાવે છે, પરંતુ પલાળેલાં ડ્રાયફ્રૂટ્સ વધુ પૌષ્ટિક છે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)




