દીવાળીના તહેવાર મનાવો, આરોગ્ય જાળવીને…

રૂમઝૂમ કરતી દીવાળી આવી છે. આજથી પાંચ દિવસ મોટા ભાગે વેપારધંધા બંધ રહેશે, તો નોકરીઓમાં પણ રવિવારની રજા આવતી હોવાથી ચાર દિવસ તો રજા જ છે. કેટલાક લોકો આ તહેવારોમાં ફરવા જશે તો કેટલાક લોકો દીવાળીની આ ચાર-પાંચ રજાઓમાં પોતાના શહેરમાં જ બહાર ફરવા નીકળશે. એકબીજાના ઘરે બેસવા જશે.

આમ તો આખું વર્ષ વૉટ્સએપ, ફેસબુક વગેરે પર મિત્રો, પરિવારજનો અને સમવ્યવસાયિકોને મળતા રહેતા જ હોય છે, પરંતુ પ્રત્યક્ષ મળવાનું વધુ મહત્ત્વનું છે. કેમ કે આભાસી (વર્ચ્યુઅલ) દુનિયામાં બે આંખની શરમ નડતી નથી અને એટલે જ તેના પર જીભાજોડી, ચડસાચડસી અને શાબ્દિક લડાઈ વધુ થતી હોય છે જ્યારે પ્રત્યક્ષ મળવાથી બે આંખની શરમ નડે છે અને લોકો મિલનસાર સ્વભાવ રાખવા પ્રેરાય છે. પરિણામે પરસ્પર સંબંધો વધુ સારા રહે છે.

પરંતુ પ્રત્યક્ષ મળવાની એક તકલીફ એ છે કે લોકો લાગણીશીલ હોય છે અને તેમાંય ગુજરાતી લોકો તો ખાસ. મહેમાનગતિની એક પણ તક ચૂકતા નથી. પરિણામે ઘરે આવતા મહેમાનોને કાજુકતરી, બરફી, પેંડા, ઘૂઘરા, ચોળાફળી, સમોસા, કચોરી, ચવાણું, ફરસી પુરી, મઠિયાં વગેરેથી ભરપૂર નાસ્તાની ડિશ ધરી દેવામાં આવે છે અને જેટલા ઘરે જઈએ ત્યાં થોડોઘણો નાસ્તો ન કરીએ તો સામેવાળાને ખોટું લાગી શકે છે. આથી આ દિવસોમાં ઘરે ભોજન લગભગ બંધ જ રાખવામાં આવતું હોય છે.

કેટલાક લોકો મનના નબળા અને સ્વાદના શોખીન હોય તો તેઓ પત્ની કે પતિ દ્વારા આંખથી મનાઈ કરવામાં આવે તો પણ ‘રસિકભાઈ આટલો આગ્રહ કરે છે તો મારે થોડું ચાખવું જ પડે’ તેમ કહીને બધે થોડું થોડું ખાઈ લેતા હોય છે. દીવાળીના તહેવાર ચાલ્યા જાય પછી આની અસર વર્તાતી હોય છે.

આથી દીવાળીના તહેવારો તમારી તબિયત ન બગાડે તે માટે કેટલીક સલાહો પાળો તો તમે દીવાળીના તહેવારો પણ આનંદથી માણી શકશો અને તે પછીના દિવસોમાં બીમાર પડવાની ચિંતા પણ નહીં.

દીવાળીના તહેવારોમાં લોકો પોતાના ડાયેટ ચાર્ટ ભૂલીને ડૉક્ટરની સલાહ અવગણીને જીભને વશ થઈ જતા હોય છે. આની અસર પછી શરીર પર દેખાય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે દિવાળી પર પોતાની જીભને વશમાં રાખવાનું કઠિન હોય છે. તેઓ આ દિવસોમાં મીઠાઈઓ વગેરે ખાઈ તો લેતા હોય છે પરંતુ પછી જ્યારે ડાયાબિટીસ વધી જાય ત્યારે ડૉક્ટરનો ઠપકો સાંભળવાથી લઈને ડાયાબિટીસની દવાનો હાઇ ડૉઝ લેવો પડે છે અને પછી ખોરાકમાં પણ નિયંત્રણ કરવું પડે છે. દિવાળી પર મીઠાઈ, ચોકલેટ અને ફરસાણ વગેરે ખાવ, પરંતુ તેના પર નિયંત્રણ રાખો તો તમારી તબિયત પણ સચવાશે અને તહેવારોમાં તમે આનંદ પણ માણી શકશો.

ઘી, ખાંડથી ભરપૂર અને ડેરી પ્રૉડક્ટવાળી મીઠાઈઓ તથા તળેલા પદાર્થો કેલેરીથી ભરપૂર હોય છે. આ ચીજો આ તહેવારો પર ઘણી ખાવામાં આવે છે. બની શકે તો તેના બદલે ડ્રાય ફ્રૂટ (સૂકા મેવા) વગેરે બનાવો અને ખાવ. બદલાતા સમયમાં હવે દિવાળી પર સૂકો મેવો ખવડાવવાનું અને ખાવાનું પણ પ્રચલિત બની રહ્યું છે. અમે તો એવી સલાહ પણ આપીએ છીએ કે તમારે કોઈને ભેટ આપવાની હોય તો બીજા કોઈ નાસ્તાના બદલે બદામ, અંજીર વગેરે ડ્રાય ફ્રૂટ આપો. સાથે બ્રાઉન રાઇસ, રાગી સૂપનું પેકેટ મેળવીને તમે બીજાને પણ આરોગ્યમય દીવાળીની ભેટ આપી શકો છો. આ દીવાળીએ જો તમે આ તક ચૂકી ગયા હો તો આવતી દીવાળીએ આ લેખ સાચવી રાખી, તમે આ પ્રકારની ભેટ આપી શકો છો.

આ ઉપરાંત કેટલીક આયુર્વેદની ટિપ પણ જરૂરી છે. આ દિવસોમાં ઋતુ પરિવર્તન થતું હોવાથી જો આયુર્વેદની કેટલીક દવાઓ લેવામાં આવે તો બીમાર પડતાં બચી શકાય છે. કડું-કરિયાતું અથવા સુદર્શન ઘનવટીની દવા લેવાથી તમે તાવ-શરદીના શિકાર બનતાં બચી શકો છો. ઉપરાંત મીઠાઈઓ ખાવાથી કફ-શરદી-ઉધરસની બીમારી થવાની પણ ભીતિ રહે છે. આના માટે હળદરવાળું દૂધ પીવાની ટેવ રાખો.