નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમની મળેલી હારને કારણે પાંચ ટેસ્ટ મેચોની આ સીરિઝમાં 1-1થી બરાબર થઈ ગઈ છે. હવે બંને ટીમો વચ્ચેની ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે.
એડિલેડ ટેસ્ટમાં ટીમને મળેલી હાર બાદ ચાહકો ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠાવી રહ્યા છે. T20 વર્લ્ડકપ 2024 બાદ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા છે. તેમણે રાહુલ દ્રવિડની જગ્યા લીધી હતી. જો કે, કોચ તરીકે ગંભીરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ભારતીય ટીમ ગંભીરના કોચિંગ હેઠળ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)માં ફાઈનલની રેસમાં પાછળ રહી જાય તેવું લાગી રહ્યું છે. જો ગંભીરના કોચિંગ પર નજર કરીએ તો ભારતીય ટીમને માત્ર પાંચ મહિનામાં 5 વખત મોટી ફજેતીનો સામનો કરવો પડયો છે.
1. કોચ તરીકે ગૌતમ ગંભીરની પહેલી પરિક્ષા ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝ હતી. ભારતીય ટીમે જુલાઈ 2024માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ભારતીય ટીમે T20 સીરિઝ 3-0થી જીતી હતી, પરંતુ વનડે સીરિઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. 27 વર્ષ બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે દ્વિપક્ષીય વનડે સીરિઝ હારી ગઈ. આ પહેલા તેઓ ઓગસ્ટ 1997માં હારી ગયા હતા.
2. ભારતીય ટીમને ગંભીરના કોચિંગ હેઠળ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર મળી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 46 રન કરી સમેટાઈ ગઈ હતી. ટેસ્ટ ઈતિહાસમાં ઘરઆંગણે ભારતનો આ સૌથી ઓછો સ્કોર હતો. તે મેચમાં ભારતીય ટીમને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. 19 વર્ષ બાદ ભારતીય ટીમ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ હારી હતી.
3. આ પછી ભારતીય ટીમને પુણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના હાથે 113 રને હારનો સામનો કરવો પડ્યો હતો. અને તેના પછી વાનખેડે ટેસ્ટમાં પણ ટીમને 25 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારત સામે ક્લીન સ્વીપ કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય ટીમને ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ મેચોની સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.
4. 12 વર્ષ બાદ ઘરઆંગણે ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ હર્યું હતું. આ પહેલા ભારતીય ટીમને ડિસેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામે ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારત પહેલી વખત ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હારી ગયું હતું. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ પહેલા ભારતીય ટીમે ઘરઆંગણે સતત 18 ટેસ્ટ સીરિઝ જીતી હતી.
5. હવે ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સારી શરૂઆત કરી હતી અને પર્થ ટેસ્ટમાં 295 રનથી જીત મેળવી હતી. જો કે, ભારતીય ટીમ પિંક બોલ ટેસ્ટ મેચમાં મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. આ મેચ ત્રીજા દિવસના પહેલા સેશનમાં જ સમાપ્ત થઈ ગઈ હતી.