ડેલાવર: ભારતના મૂળમાં સંસ્કૃતિ અને ધર્મ અગત્યના પાયાઓ છે. જેના આધારે આપણી પ્રાચીન સંસ્કૃતિ આધુનિક યુગમાં પણ ટકી રહી છે. ધર્મો એકબીજાના પ્રભાવ હેઠળ, માન્યતાઓને આધારે અલગ-અલગ સંપ્રદાયોમાં વહેચાઈ ગયા છતાં દરેકનો હાર્દ એકજ છે. જે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને જોડી રાખવામાં અગત્યના છે. આ માટે મહત્વના છે સંતો અને સંતસમાગમ માટે મંદિર જેવી સંસ્થાઓ.મંદિરમાં સતત પૂજા આરતી થાય જ્ઞાન વહેચાય આથી એ જગ્યા દિવ્યશક્તિથી ભરપુર હોય છે. જ્યાં નાસ્તિક માણસને પણ એનર્જી મળે છે. જરૂરી નથી અહી દંડવત પ્રણામ કરો પણ શાંતિથી બે હાથ જોડી બેસવાથી પણ ખુબ શાંતિનો અનુભવ થાય છે, જે આજના ભાગદોડ કરતા મન શરીર માટે ખુબ આવશ્યક છે. અમેરિકાનું સાવ નાનું સ્ટેટ ડેલાવર જ્યાં ભારતીયોની સંખ્યા બીજા રાજ્યો કરતા ઘણી ઓછી છે. છતાં આ ગુરુવાર વિક ડેઝમાં જ્યાં લોકોને એકબીજાને ફોન કરવાનો સમય નથી હોતો તેવા બીઝી દિવસની સાંજે બી.એ.પી.એસ.નાં ખુબ જ્ઞાની અને જાણીતા એવા ડો.જ્ઞાનવત્સલદાસ સ્વામીનું લેકચર હતું. જેમાં આશરે ૧૨૦૦ કરતા પણ વધારે માણસો હાજર હતા. દોઢ કલાકના કાર્યક્રમ દરમિયાન એક ટાંકણી પડે તો પણ સંભળાય તેવી શાંતિ હતી. હજુ ભારતમાં આટલી મોટી સંખ્યામાં ભાવિકો ભેગા થાય તો ઠીક છે પણ અમેરિકા જેવા દેશમાં અને નાના રાજ્યમાં આમ બનવું બહુ મોટી વાત ગણાય. ડેલાવરનાં BAPSના મંદિરમાં રીનોવેશન ચાલે છે, આ કારણે આ સભા હાઈસ્કૂલના હોલમાં આયોજિત કરાઈ હતી.ધર્મ સંસ્કાર શીખવે છે, સાથે દિશા સૂચવે છે એ વાત જરૂર હતી. પૂજા કે પ્રાર્થના જેમ અંતરથી થવી જોઈએ તેમ કોઈ પણ કાર્યમાં જો ડેડિકેશન ન હોય તો તે કાર્ય માત્ર અને માત્ર સ્ટ્રેસ આપે છે જેની અસર મન સાથે કાર્ય અને શરીર ઉપર પડે છે. એ વાત સમજાવવાનો સ્વામીજીનો પ્રયાસ ખુબ સચોટ અને ગળે ઉતરે તેવો હતો. સ્વામીજીના લેક્ચરમાં જીવનમાં વધતા જતા તણાવને કેમ ઓછો કરવો તેની વાત હતી. જેમાં સહુથી સમજ્વા જેવી અને સચોટ વાત હતી વ્યક્તિનું મનોબળ અને કાર્યક્ષમતા જેના આધારે સ્ટ્રેસ ઉપર કંટ્રોલ મેળવી શકાય છે.સ્વામીનાં લેક્ચરમાં ત્રણ એફ, ત્રણ એચ અને ત્રણ એસની વાત હતી જેના ઉપર કંટ્રોલ રખાતા ઘ્યાન આપતા જીવનમાં સ્ટ્રેસ ઓછો થાય છે અને કાર્યક્ષમતા વધે એ નક્કી છે.
ત્રણ એફ – ફ્રેન્ડ, ફેમીલી અને ફેથ (વિશ્વાસ )
ત્રણ એચ- હેલ્થ, હેલ્પ અને હાઈજીન (સ્વચ્છતા )
ત્રણ એસ – સર્વિસ, સ્માઈલ અને સોલ(આત્મા )
જ્ઞાનવત્સલ સ્વામી માત્ર એક સંત તરીકે નહોતા બોલતા પરંતુ તેમની પાસે ઘર્મ સિવાય આધ્યાત્મિક અને આધુનિક જ્ઞાનનો ભંડાર જોવા મળતો હતો. તેમની વાત કરવાની શૈલી સાવ સરળ હતી. હા આ લેકચર ઈંગ્લીશમાં હતું તેથી કદાચ બધા વડીલો આનો લાભ નહિ લઇ શક્યા હોય તેનો અફસોસ રહ્યો હતો. બાકી તેઓ ગુજરાતી-હિન્દીમાં ખુબ ધારદાર સ્પીચ આપે છે. કેટલાક ધર્મોમાં ફક્ત મંદિરમાં જઈ ભજન કિર્તન કરવાની વાત આવે છે, તો કેટલાક ધર્મોમાં આ સિવાયની લોકસેવાની પ્રવૃત્તિઓ ચાલે છે તો કેટલાક આ બધાથી આગળ પોતાનો અલગ ચીલો પાડે છે. આવી જ ધર્મસંસ્થા BAPS છે.સ્વામીનારાયણ સંપ્રદાયના સામાજિક કાર્યો આંખે ઉડીને વળગે તેવા હોય છે. અહી અમુક જુનાપુરાણા નિયમોને બાદ કરતા મોર્ડન સમાજને ગળે ઉતારે એ રીતે સમજાવાય છે. એજ કારણે બહુ ઝડપભેર ભારત સિવાય બીજા અનેક દેશોમાં તેનો ઝડપી ફેલાવો થઇ રહ્યો છે. માત્ર મંદિરો બાંધી, મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી ધર્મ અને સંસ્કૃતિ જળવાતી નથી. આ વાતને BAPSના સંતો અને કાર્યકરો બરાબર સમજે છે. એ જ કારણે આ ધર્મમાં બહુ એજ્યુકેટેડ લોકો જોડાયેલા છે.આજે જ્યારે ધર્મ અને પ્રવૃત્તિઓ વિશે વાત કરીએ છીએ ત્યારે અમેરિકાનાં ન્યુજર્સીના રોબિન્સ્વીલમાં બંધાયેલા BAPSનાં મંદિર વિષે લખવાનું ચૂકાય તેમ નથી. અમેરિકાનું સહુથી મોટું અને વિશ્વનું બીજા નંબરનું ભગવાન સ્વામીનારાયણનું આ મંદિર છે. ૨૦૧૪માં આ મંદિરનું ભૂમિ પૂજન કરાયું હતું. ૨૦૨૩માં કામ પૂરું થયું છતાં આજે પણ ત્યાં કામ ચાલુ છે. જ્યાં ૧૨,૫૦૦ વોલેન્ટિયર્સ અને હજારો કાર્યકરોએ સ્વેચ્છાએ યોગદાન આપ્યું હતું. અહી હજારો વર્ષ જૂની ભારતીય મહામુલી કલાકારીગીરીની સાથે મોર્ડન ટચ પણ અપાયો છે. આ ધર્મ મંદિરો જ બાંધે છે તેવું નથી. ૫૫ દેશોમાં આશરે ૧૪૦૦ મંદિરો સાથે ૭૫થી વધારે શાળાઓ, હોસ્પિટલ્સ વગેરે પણ બાંધી સેવાના કાર્યો કરે છે. જેમાં ડોકટરો, અકાઉન્ટન્ટ, એન્જિનીયર્સ, પ્રોફેસર્સ સાથે ૧૫૦ કરતા પણ વધુ એજ્યુકેટેડ NRI સંતો છે જે પોતાના જ્ઞાનનો લાભ આવા લેકચરો અને સભાઓમાં આપે છે. સંસ્કૃતિ, જ્ઞાન વિના અને જ્ઞાન, જ્ઞાની વિના અધૂરા છે. આપણે બધું જાણીએ સમજીએ છીએ, છતાં જ્યારે કોઈ જ્ઞાની આંગળી ચીંધે ત્યારે તેને જીવનમાં ઉતારવા તત્પર થઈએ છીએ. દરેક પોતાના ગુરુ છે છતાં દરેકને ગુરુની જરૂર આજ કારણે પડે છે.