વ્યક્તિના જીવનમાં લગ્નનો દિવસ સૌથી યાદગાર દિવસોમાંનો એક હોય છે. આ દિવસે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે લગ્નનું આઉટફિટ એકદમ ટ્રેન્ડી, ફેશનેબલ, એટ્રેક્ટિવ અને હટકે હોય, જેથી ફોટોગ્રાફ્સથી લઈને મેમરી દરેક વસ્તુને સુંદર રીતે કંડારી શકાય. લગ્નના દિવસનો તમારો લુક આવનારા વર્ષો સુધી વીડિયો, ફોટા અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાચવવામાં આવે છે. તેથી દરેક વ્યક્તિ એકદમ પરફેક્ટ હોય તેવું જ આઉટફિટ શોધતા હોય છે. 2025માં, વર કે વધુ જ નહીં પરંતુ બન્નેના પરિવાર સાથે જોડાયેલા સભ્યો પણ કેવાં પ્રકારના ટ્રેન્ડને ફૉલો કરી રહ્યા છે?, વેડિંગ આઉટફિટમાં ક્યા કલર ટ્રેન્ડિંગ છે?, ક્યા કલર પેલેટનો લોકોમાં ક્રેઝ વધારે છે?
આ બધા જ પ્રશ્નોનો જવાબ મેળવવા માટે ચિત્રલેખા.કોમ એ ગુજરાતી ફિલ્મોના જાણીતા કોસ્ચ્યુમ ડિઝાઈનર અમદાવાદસ્થિત પૌરવી જોશી સાથે વાત કરી. પૌરવીબેને છેલ્લો દિવસ, બે યાર, કસુંબો, શુભારંભ, શરતો લાગુ, યુનિયન લીડર, સમીર, સફળતા ઝીરો કિલોમીટર અને કાશી રાઘવ જેવી 150થી વધુ ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા છે.
પૌરવી જોશી: આમ તો દરેક વ્યક્તિની પર્સનલ ચોઈસ ઉપર જતું હોય છે. ટ્રેન્ડની વાત કરીએ તો લોકોને પેસ્ટલ શેડ્સ અત્યારે ગમે છે, પણ લગ્નના આઉટફિટની જ્યારે વાત કરવામાં આવે તો યુવતીઓ ટ્રેડિશનલ રેડ, ડાર્ક પિંક જેવાં રંગો જ પસંદ કરે છે. આ વાત થઈ હસ્તમેળાપ વખતે પહેરવાના આઉટફિટની. પણ હા, એ સિવાયના જે પ્રસંગો છે તેમાં લોકો ઓથેન્ટિક પહેરવાના બદલે એક્સપેરિમેન્ટલ આઉટફિટ પહેરવાનું વધુ પસંદ કરે છે. મહેંદીમાં, હલ્દીમાં કે સંગીતમાં વેસ્ટર્ન પહેરવાનું પસંદ કરે છે. સ્ટાઈલની જો વાત કરવામાં આવે તો ટ્રેડિશનલ અને કલર પેલેટની જો વાત કરીએ તો રેડ, હોટ પિંક અને ઓરેન્જ વધારે લોકોને પસંદ આવે છે. હું કહી શકું કે મારા 10માંથી 7 આઉટફિટ આ જ કલરમાં બને છે. પહેલાં તો વર-વધુ કોન્ટ્રાસ્ટમાં આઉટફિટ પહેરવાનું પસંદ કરતા હતા. હવે તો કપલનું મેચિંગ વધી ગયું છે. આથી વર-વધૂ સેમ કલર પેલેટમાં આઉટફિટ રેડી કરાવતા હોય છે. ફેબ્રિકમાં નેટ, જ્યોર્જેટ વધુ વપરાતા હોય છે. કારણ કે વેડિંગ આઉટફિટમાં લોકોને હેવી લુક જોઈએ છે પણ સાથે-સાથે લાઈટ વેઈટ આઉટ ફિટ પહેરવાનું વધુ પસંદ કરે છે.
આપણે પહેલાના જમાનાની લગ્નના આઉટફિટ જોઈએ તો તેમાં હાથી-ઘોડા, વર-વધૂ એવા પ્રકારની ડિઝાઈન જોવા મળતી હતી. હવે એની જગ્યાએ લોકોને કુંદન વર્ક કે જરદોશી વર્ક વધુ પસંદ કરે છે. પણ વર્કની ઈન્ટેન્ટસિટી ઓછી હોય અને હેવી લુક આપે એવી ડિમાન્ડ હોય છે. જેમ કે અદિતી રાવ હૈદરીએ જે સભ્યસાચી લેહેંગો પહેર્યો હતો. તેમાં માત્ર બોર્ડરમાં જ કામ કરવામાં આવ્યું હતું. બાકી આખો લહેંગો પ્લેન રેડ કલરનો હતો. એટલે કે સિમ્પલ અને શોબર લુક અને સાથે-સાથે એથ્નિક લાગે તેવું વર્ક બ્રાઇડ અત્યારે પસંદ કરે છે. અત્યારની બ્રાઇડને એવો શટલ લુક પસંદ છે. તેઓ ઓર્નામેન્ટથી લુકને હેવી કરી દે છે. કારણ કે જો વેડિંગ આઉટફિટ બહુ જ હેવી હોય તો તેને રિ-યુઝ પણ કરી શકાતા નથી. આથી એવા લહેંગા કે સાડી લોકો ડિઝાઇન કરાવે છે કે જે બીજી વાર તેઓ પહેરી શકે.
અત્યારે તો માર્કેટમાં દરેક પ્રોડક્ટની ફર્સ્ટ કોપી મળતી જ હોય છે. કસ્ટમર્સ ખૂબ સ્માર્ટ બની ગયા છે. ઓનલાઈન સર્ચ કરીને ભાવ-તાલ જોઈને જ અમારી પાસે આવતા હોય છે. ઓનલાઈન જે ઓરિજનલ લહેંગો એક લાખ રૂપિયામાં હોય તેની રેપ્લિકા અમને દસ હજાર રૂપિયામાં બનાવી આપવાનું કહેતા હોય છે. આ વાત અશક્ય નથી. માર્કેટમાં એવાં હેવી ફેબ્રિક મળતા જ હોય છે. જેનાથી 75 હજારની સાડી 10 હજારમાં બની જાય છે. લહેંગામાં પણ એવું થતું જ હોય છે. કે 10થી 15 હજારમાં બ્રાઇડ ખુશ થઈ જાય એવાં લહેંગા તૈયાર થતાં હોય છે. જેને ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરવું તે બેથી પાંચ લાખના આઉટફિટ પણ તૈયાર કરાવે છે. આથી અમે તો દરેક વ્યક્તિના બજેટ પ્રમાણેની વસ્તુ તૈયાર કરી આપીએ છીએ.
કસ્ટમરને બધાં જ લોકો પહેરે છે તે વસ્તુ પહેરવી છે કે કંઈક અલગ પહેરવી છે. પોતાની ચોઈસની પહેરવી છે તેના પર આધાર રાખે છે. મારી પાસે કોઈપણ કસ્ટમર આવે છે તો બેથી ત્રણ કલાકનો સમય તો હું તેને જાણવામાં તેની પસંદને જાણવામાં કાઢુ છું. બ્રાઇડની લાઈકિંગ, ડિસલાઇકિંગ, બજેટ, આગળ ભવિષ્યમાં વેડિંગ આઉટફિટના ઉપયોગને લઈને તેમની શું ગણતરી છે? આ બધાં જ પાસાંઓ ચકાસ્યા બાદ એ લોકો માર્કેટમાંથી જે સર્ચ કરીને લાવ્યા હોય તેમાં અમે અમારો ડિઝાઇનર ટચ આપીને સ્પેશિયલ આઉટફિટ તે પર્ટિક્યુલર વ્યક્તિ માટે બનાવીએ છીએ. મોટાભાગે અત્યારે બજારમાં મળતા કોમન વેડિંગ આઉટફિટના બજેટમાં જ અમે ડિઝાઇનર આઉટફિટ પણ તૈયાર કરી આપીએ છીએ. આથી લોકો પોતાના માટે પર્સનલ ટચવાળો આઉટફિટ પહેરવો વધારે પસંદ કરે છે.
લોકોમાં અત્યારે ફિલ્મ સ્ટારનો ઈન્ફ્લુઅન્સ ખૂબ જ વધારે હોય છે. લોકો મને એમના ગમતા કલાકારોના વેડિંગ આઉટફિટના ફોટા કે રિલ મોકલીને એના જેવાં આઉટફિટ તૈયાર કરી આપવાની ડિમાન્ડ કરતા હોય છે.
મારે એક વાત ઉમેરવી છે અંતમાં કે અત્યારે માત્ર ગ્રુમ કે બ્રાઇડ જ નહીં, પરંતુ આખેઆખું ફેમિલી કપડા ડિઝાઈન કરાવતું હોય એવો પણ ટ્રેન્ડ છે. ક્યારેક તો એક વર્ષના બાળકથી લઈને ઘરના વડીલ માટે અમે સેમ પેટર્નના કપડાં તૈયાર કરતા હોઈએ છીએ. દરેક પ્રસંગ માટે આખેઆખું ફેમિલી થીમ પ્રમાણે ડિઝાઇનર ક્લોથ તૈયાર કરાવતું હોય છે. આ પણ એક ટ્રેન્ડ હાલમાં તમને જોવા મળશે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)