અમદાવાદ: 16 જુલાઈએ ગુજરાત સાયન્સ સિટીના ફેઝ-2ના આકર્ષણો જેવાં કે, એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કના ત્રણ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એક વિશેષ પહેલ ‘સાયન્સ સફર 2024’ની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત કાર્યરત છે. જેના માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવાર-નવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. IIT – ગાંધીનગરના સહયોગથી ગુજરાત સાયન્સ સિટી દ્વારા ‘સાયન્સ સફર 2024’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને આગામી 180 દિવસ સુધી જુદા-જુદા વર્કશોપ્સ વડે વિજ્ઞાનલક્ષી શિક્ષણ આપવામાં આવશે. આ વર્કશોપ્સમાં વિદ્યાર્થીઓને STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) વિષયક શિક્ષણ આપવામાં આવશે. આ વર્કશોપ્સમાં સાઉન્ડ, ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ, હીટ એન્ડ કેન્ડલ, મશીન્સ, એસ્ટ્રોનોમી, ફોર્સ, પ્રેસર એન્ડ ફ્રિકશન, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ, લિવિંગ સિસ્ટમ, આર્ટ એન્ડ મેથેમેટિક્સ, સ્પોર્ટ્સ એન્ડ મેથેમેટિક્સ, બેઝિક એરિથમેટિક એન્ડ નંબર સીસ્ટમ, એડવાન્સ્ડ એરિથમેટિક એન્ડ કમ્પ્યુટેશનલ થિંકિંગ, થ્રી-ડી વિઝ્યુલાઈઝેશન એન્ડ જીયોમેટ્રી, ફેક્ટર્સ એન્ડ ફ્રેક્શન્સ, અલજેબ્રા એન્ડ મોશન, ICT એન્હેન્સ્ડ લર્નિંગ, પેપરબેઝ્ડ મેથેમેટિક્સ જેવા વિષયો અંગે શિક્ષણ આપવામાં આવશે. પ્રથમ દિવસે અદાણી વિદ્યામંદિરના 100 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા જેમને હેન્ડ્સ ઓન એક્ટિવિટી સાથે વિજ્ઞાન શિક્ષણ આપવામાં આવ્યું.એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નેચર પાર્કમાં સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા. એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીમાં પણ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જે.બી. વદર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરની તમામ કર્મચારીઓને શુભકામના પાઠવી.ઓડિટોરિયમ ખાતે ખાસ સાયન્સ ક્વિઝ કોમ્પિટિશન પણ રાખવામાં આવી હતી. જેમાં સહભાગી વિદ્યાર્થીઓને જુદા-જુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સાથે-સાથે 14 જુલાઈએ યોજાયેલી ફોટો, રીલ અને વીડિયો સ્પર્ધાના પ્રથમ ત્રણ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા.