વડોદરા: શહેરમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી ઓસરી રહ્યા છે તેમ-તેમ શહેરના અનેક વિસ્તારમાં ભરાયેલા પાણી પણ ઉતરી રહ્યા છે. પૂરની પરિસ્થિતિમાંથી તો શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ તેમને જે વાતનો ડર હતો તે જ થયું. વિશ્વામિત્રી નદીમાંથી મગરો પૂરની પરિસ્થિતિ સર્જાતા શહેરના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. અનેક વિસ્તારોમાં મગર જાહેરમાં ફરી રહ્યા હોવાથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી મહાકાય કહી શકાય તેવા 15 ફૂટના મગર સહિત વધુ ત્રણ મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.