અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા નજીકના સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક અને અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ વચ્ચે દેશની સૌપ્રથમ સી-પ્લેન સેવાને સફળતાપૂર્વક શરૂ કરાવી તે પછી સરકાર દેશભરમાં 14 વધુ વોટર એરોડ્રોમ્સ બાંધવા વિચારે છે.
આનાથી લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર, આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત અનેક રૂટ્સ પર સી-પ્લેન સેવા શરૂ કરી શકાશે.
શિપિંગ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર દેશભરમાં ‘ઉડાન’ યોજના અંતર્ગત વધુ 14 વોટર એરોડ્રોમ્સ બનાવવા વિચારે છે. આ માટે હાઈડ્રોગ્રાફિક સર્વે કરવાની એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI)ને વિનંતી કરી છે.
ગુજરાતમાં સી-પ્લેન સેવા શરૂ કરાયા બાદ હવે દેશભરમાં અનેક રૂટ પર આવી સેવા નિયમિત ધોરણે શરૂ કરવાનું વિચારણા હેઠળ છે, એમ કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે.
IWAI સંસ્થાએ જ ગુજરાતમાં સી-પ્લેન સેવા માટે વિક્રમી સમયમાં કોંક્રીટની જેટ્ટીઓ બાંધી આપી છે. હવે એ જ સંસ્થાને હાઈડ્રોગ્રાફિક સર્વે કરવાનું તેમજ ફ્લોટિંગ જેટ્ટીઓ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
આ સીપ્લેન્સ ‘ટ્વિન ઓટ્ટર્સ’ છે. દુનિયાભરમાં છેલ્લા 40 વર્ષોથી 14-સીટવાળા ટ્વિન ઓટ્ટર સૌથી વધુ વેચાતા પેસેન્જર એરપ્લેન્સ છે.
શનિવારે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મતિથિ નિમિત્તે વડા પ્રધાન મોદીએ કેવડિયામાં સી-પ્લેન સેવાની લોકાર્પણ વિધિ સંપન્ન કરી હતી. એ પોતે કેવડિયામાં સરદાર પટેલના સ્મારક ખાતેથી સી-પ્લેનમાં બેસીને અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ગયા હતા. આશરે 200 કિ.મી.નું તે અંતર આશરે 40 મિનિટમાં પૂરું કરાયું હતું.
સાબરમતી રીવરફ્રન્ટ ખાતે અને સરદાર સરોવર ડેમ નજીક તળાવ-3 ખાતે ફ્લોટિંગ જેટ્ટી અને વોટર એરોડ્રોમ મકાન બાંધવામાં આવ્યા છે, જ્યાંથી પ્રવાસીઓ વિમાનમાં ચડી શકે છે અને એમાંથી ઉતરી શકે છે.
આ સેવા સ્પાઈસજેટની માલિકીની પેટા-કંપની સ્પાઈસ શટલ દ્વારા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ-કેવડિયા વચ્ચે રોજની બે ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.