શિયાળામાં કેદારનાથ ધામના રક્ષણ માટે જવાનો તૈનાત કરાયા

ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ યાત્રાસ્થળ કેદારનાથ ધામ સ્થિત કેદારનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મંદિરના રક્ષણ માટે ઈન્ડો-તિબેટ બોર્ડર ફોર્સ (ITBP)ના શસ્ત્રસજ્જ 30 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ જવાનો આવતા વર્ષના એપ્રિલ મહિના સુધી આ સ્થળે દિવસ-રાત પહેરો ભરતા રહેશે. આ જવાનોની સાથે ઉત્તરાખંડ પોલીસના 20 જવાનો પણ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, મંદિરના ગર્ભગૃહને 40 કિલો સોનાથી મઢવામાં આવ્યું છે. હાલ શિયાળાની મોસમમાં અતિ ભારે હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે તેથી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તાપમાન માઈનસ 15 ડિગ્રી જેટલું નીચે જઈ શકે છે. મંદિર પરિસરમાં જ પાંચથી છ ફૂટ જેટલો બરફ છવાઈ જતો હોય છે. એવી જ રીતે, રાજ્યના અન્ય યાત્રાધામ બદ્રીનાથ ધામ ખાતે પણ મંદિરના રક્ષણ માટે ITBPના જવાનોની બે કૂમકને તૈનાત કરવામાં આવી છે. આ મંદિરના રક્ષણનો હવાલનો અગાઉ ઉત્તરાખંડ પોલીસ પાસે હતો, પણ તે હવે ITBPને સોંપવામાં આવ્યો છે.