અમદાવાદ: ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી તરફ જતાં તમામ માર્ગો પર હાલ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. શક્તિપીઠ અંબાજીમાં દરવર્ષની જેમ ભાદરવી પૂનમ નિમિત્તે મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેટલાક લોકો જુદા જુદા રથમાં માતાજીની સ્થાપના કરે છે. જ્યારે કેટલાક શ્રધ્ધાળુઓ આસ્થા સાથે મંદિરના શિખર પર ચઢાવવા માટે વિશાળ ધજાઓ સાથે પગપાળા પ્રવાસ કરે છે.
અંબાજી તરફ જતાં તમામ માર્ગો પર શ્રધ્ધાળુની સુવિધા માટે વિવિધ સંઘો, મંડળો અને ગામો દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ માટે કેમ્પ લાગેલા છે. જેમાં પાણી, ચા-કોફી, નાસ્તો, ભોજન, ઠંડા પીણાં, આઇસ્ક્રીમ તેમજ તાત્કાલિક સારવાર જેવી અનેક સુવિધાઓનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ એટલે કે 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. ભાદરવી પૂનમના આ મહામેળા નિમિત્તે આખુંય અંબાજી તેમજ તમામ માર્ગો પર ઉત્સવ અને ઉત્સાહનો માહોલ છે.


