મૂક-બધિર ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતનો સંઘ બ્રાઝિલ રવાના

બ્રાઝિલના કેશિયાસ દો સુલ શહેરમાં આવતી 1-મેથી વિશ્વભરનાં મૂક-બધિર એથ્લીટ્સ માટે 24મો મૂક-બધિર રમતોત્સવ (ડેફલિમ્પિક્સ)નું આયોજન કરવામાં આવનાર છે. રમતોત્સવ 15-મે સુધી ચાલશે. તેમાં ભાગ લેનાર ભારતનાં એથ્લીટ્સના સંઘને 25 એપ્રિલ, સોમવારે નવી દિલ્હીમાં આયોજિત ખાસ સમારોહમાં વિદાય આપવામાં આવી હતી. સમારોહમાં કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.

દર ચાર વર્ષે યોજાતા ડેફલિમ્પિક્સ રમતોત્સવને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ માન્યતા આપી છે.

ભારત આ 14મી વખત ડેફલિમ્પિક્સમાં ભાગ લેશે. ભારતે 65 એથ્લીટ્સનો સંઘ મોકલ્યો છે. તેઓ 11 રમતગમતોમાં વિવિધ હરીફાઈઓમાં ભાગ લેશે. ભારતે 2017ના ડેફલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. ભારતે 46 એથ્લીટ્સને મોકલ્યાં હતાં. ભારતે એમાં કુલ પાંચ મેડલ જીત્યા હતા (એક સુવર્ણ, એક રજત અને ત્રણ કાંસ્ય).