નૌસૈનિકની 13 વર્ષની પુત્રી જિયા રાયે વિક્રમ સમયમાં પૉક સામુદ્રધુનિ તરીને પાર કરી

ભારતીય નૌકાદળના જહાજ INS કુંજલિ પર MC-AT-ARMS II તરીકે સેવા બજાવતા વરિષ્ઠ નૌસૈનિક મદન રાયની પુત્રી અને મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલની વિદ્યાર્થિની જિયા રાયએ સમુદ્ર જલતરણમાં વિક્રમ સર્જ્યો છે. કાબેલ સ્વિમર જિયાએ ગઈ 20 માર્ચે શ્રીલંકાના તલાઈમન્નારથી ભારતના ધનુષ્કોડી વચ્ચે 29 કિ.મી. (દરિયાઈ) અંતર 13 કલાક અને 10 મિનિટમાં પૂરું કરી બતાવ્યું હતું. જિયા 13 વર્ષ અને 10 મહિનાની ઉંમરની છે. તે ઓટિઝમ સ્પેક્ટ્રમ વ્યાધિથી પીડિત છે. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર મગજને લગતી એક બીમારી છે. એમાં દર્દી પોતાની વાત ન તો બરાબર કહી શકે છે કે ન તો બીજાની વાત સમજી શકે છે. તે ઉપરાંત એની સાથે સંવાદ પણ સ્થાપિત કરી શકતા નથી. આ બીમારીના લક્ષણ નાનપણથી જ લાગુ પડતા હોય છે. આ શારીરિક તકલીફ હોવા છતાં જિયાએ આ સિદ્ધિ હાંસલ કરી બતાવી છે. તે પૉક સ્ટેઈટને તરી બતાવનાર વિશ્વની સૌથી યુવાન વયની અને ઝડપી મહિલા સ્વિમર બની છે. આ વિક્રમ અગાઉ ભારતની જ બુલા ચૌધરીનાં નામે હતો – 13 કલાક અને 52 મિનિટ (2004માં).

સામુદ્રધુનિ એટલે બે સમુદ્રને જોડતી સમુદ્રની એક સાંકડી પટ્ટી (સ્ટેઈટ). પૉક સામુદ્રધુનિ ભારત અને શ્રીલંકા વચ્ચે ઓછા ઊંડાણવાળી (13 મીટર) ખાડી છે.

જિયા રાય તરણ સાહસનું આયોજન પેરા સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ કર્યું હતું. તેને એ માટે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા, સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી, તામિલ નાડુ અને ઓટિઝમ સોસાયટી ઓફ ઈન્ડિયાનો સહયોગ મળ્યો હતો. ગોવા શિપયાર્ડ લિમિટેડે જિયાનાં તરણ સાહસ માટે આર્થિક સહાયતા કરી હતી.

તરણ સાહસ વખતે શ્રીલંકાના નૌકાદળે શ્રીલંકાના જળવિસ્તારમાં સર્ચ અને રેસ્ક્યૂ કવચ પૂરું પાડ્યું હતું જ્યારે ભારતીય જળવિસ્તારમાં એવું કવચ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટગાર્ડે પૂરું પાડ્યું હતું.

પશ્ચિમી નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહે જિયા તથા એનાં માતાપિતાને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે.