GallerySports ઈંગ્લેન્ડ બન્યું નવું આઈસીસી ODI વર્લ્ડ કપ ચેમ્પિયન… July 15, 2019 ઓઈન મોર્ગનના નેતૃત્ત્વ હેઠળની ઈંગ્લેન્ડ ટીમે 14 જુલાઈ, રવિવારે લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ ગયેલી અને ઐતિહાસિક રીતે નાટ્યાત્મક અને યાદગાર બની ગયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને સુપર-ઓવરના પરિણામમાં હરાવીને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધા જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. એની ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 240 રન કર્યા હતા. તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પણ 50 ઓવરમાં 240 રન કરી શકી હતી અને મેચના આખરી બોલે ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે મેચ ટાઈ થઈ હતી. રિઝલ્ટ લાવવા માટે સુપર-ઓવર રમાડવામાં આવી હતી. એમાં ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને જોસ બટલરે 6 બોલમાં 15 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટીલ અને જેમ્સ નીશમે પણ 15 રન કર્યા હતા. આમ, સુપર ઓવર પણ ટાઈ થઈ હતી, આખરે ઈંગ્લેન્ડે વધારે બાઉન્ડરી મારી હતી એ મુદ્દે એને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. દાવમાં, ન્યૂઝીલેન્ડ કરતાં ઈંગ્લેન્ડે 6 બાઉન્ડરી વધારે મારી હતી. 98 બોલમાં પાંચ ચોગ્ગા, બે છગ્ગા સાથે 84 રન કરીને નોટઆઉટ રહેનાર ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 'મેન ઓફ ધ મેચ' ઘોષિત કરાયો હતો જ્યારે કેન વિલિયમ્સનને 'મેન ઓફ ધ સીરિઝ' ઘોષિત કરાયો હતો. એણે કુલ 578 રન કર્યા હતા. ફાઈનલ મેચમાં એણે 30 રન કર્યા હતા. 84*(98, 5x4, 2x6). ઈંગ્લેન્ડે આ પહેલી જ વાર વર્લ્ડ કપ સ્પર્ધા જીતી છે.