ભારત મેલબોર્ન ટેસ્ટમાં વિજયી…

મેલબોર્નમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવીને વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ચાર મેચોની સીરિઝમાં 2-1થી સરસાઈ હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાને જીત માટે 399 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પણ 30 ડિસેંબર, રવિવારે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 261 રનમાં પૂરો થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં 3 વિકેટ અને સમગ્ર મેચમાં કુલ 9 વિકેટ લેનાર ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. અન્ય બે ફાસ્ટ બોલર – મોહમ્મદ શમી અને ઈશાંત શર્માએ પણ બંને દાવમાં બુમરાહને સાથ આપ્યો હતો અને ભારતની જીતમાં યોગદાન આપ્યું હતું. બંને બોલરે મેચમાં 3-3 વિકેટ લીધી હતી. સીરિઝની ચોથી અને આખરી ટેસ્ટ મેચ બીજી જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.