GalleryEvents કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ… July 26, 2020 ભારત દર વર્ષની 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવે છે. ભારતે 26 જુલાઈ, રવિવારે 21મો કારગિલ વિજય દિવસ ઉજવ્યો. 1999માં આ જ તારીખે ભારતે પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધમાં ‘ઓપરેશન વિજય’ સફળ થયાની ઘોષણા કરી હતી. ‘ઓપરેશન વિજય’ અંતર્ગત ભારતીય સૈનિકોએ ઘૂસણખોર પાકિસ્તાની સૈનિકો પર બહાદૂરીભર્યું આક્રમણ કરીને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના કારગિલ જિલ્લાની મુસ્કોહ વેલીમાં આવેલા ઝુલૂ ટોપ સ્થળને ફરી પોતાના કબજામાં મેળવી લીધું હતું. એ યુદ્ધ 60 દિવસો સુધી ચાલ્યું હતું. એ યુદ્ધમાં બંને દેશે સૈનિકોની ખુવારી ભોગવી હતી. ભારત દર વર્ષે આ તારીખે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપે છે. ઉપરની તસવીરમાં, નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા લશ્કરી અધિકારીઓ અને સૈનિકો. શહીદ જવાનોને પુષ્પચક્ર અર્પણ કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ દેશની સેનાની ત્રણેય પાંખના વડા (ડાબેથી જમણે) હવાઈ દળના વડા એર માર્શલ આર.કે.એસ. ભદૌરિયા, ભૂમિદળના વડા જનરલ એમ.એમ. નવરણે અને નૌકાદળના વડા કરમબીર સિંહ.