‘INS વલસુરા’ જામનગરમાં ‘પ્રેસિડન્ટ્સ કલર’થી સમ્માનિત

ગુજરાતના જામનગરમાં સમુદ્રકાંઠા પર સ્થિત ભારતીય નૌકાદળના ટેક્નોલોજીકલ પ્રશિક્ષણ કેન્દ્ર ‘INS વલસુરા’ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 25 માર્ચ, શુક્રવારે પ્રતિષ્ઠિત ‘રાષ્ટ્રપતિ ધ્વજ’ (‘પ્રેસિડન્ટ્સ કલર’ પુરસ્કાર) પ્રદાન કર્યો હતો.

આ ‘રાષ્ટ્રપતિ ધ્વજ’ (પ્રેસિડન્ટ્સ કલર પુરસ્કાર) સેનાના કોઈ એકમને યુદ્ધ અને શાંતિ, એમ બંને પ્રકારની પરિસ્થિતિમાં વિશિષ્ટ સેવા બજાવવા બદલ પ્રદાન કરવામાં આવે છે. ‘નિશાન અધિકારી’ લેફ્ટેનન્ટ અરુણ સિંહ સાંબયાલે ભવ્ય પરેડમાં યુનિટ વતી ‘રાષ્ટ્રપતિ ધ્વજ’ સ્વીકાર્યો હતો.

રાષ્ટ્રપતિ કોવિંદ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી રહ્યા છે.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર, નાયબ વડા વાઈસ-એડમિરલ એમ.એ. હમ્પીહોલી તથા અન્ય વરિષ્ઠ સિવિલ તથા લશ્કરી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈએનએસ વલસુરાની સ્થાપના 1942માં દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે રોયલ ઈન્ડિયન નેવીની તાકાત વધારવા અને નેવીના જવાનોને અત્યાધુનિક ટોર્પીડો તાલીમ આપવા માટે કરવામાં આવી હતી. 1950માં ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારબાદ એનું નામ બદલીને આઈએનએસ વલસુરા કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રમાં દર વર્ષે 262 અભ્યાસક્રમ હાથ ધરવામાં આવે છે જેમાં 750 અધિકારીઓ અને 4,200 નૌસૈનિકોને ટેક્નોલોજીની તાલીમ આપવામાં આવે છે. આ કેન્દ્રમાં 15 મિત્ર દેશોના નૌકાદળોના 1,800 નૌસૈનિકોને પણ તાલીમ આપવામાં આવી છે. (તસવીર સૌજન્યઃ @rashtrapatibhvn@indiannavy)