VVPAT મામલે વિપક્ષી નેતાઓ મળ્યા ચૂંટણી પંચને…

દેશનાં 22 વિરોધ પક્ષોનાં નેતાઓ 21 મે, મંગળવારે નવી દિલ્હીમાં નિર્વાચન સદન ખાતે ચૂંટણી પંચના સત્તાવાળાઓને મળ્યા હતા અને મતદાન માટે ઉપયોગમાં લેવામાં આવેલા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ) મામલે સવાલ ઉઠાવ્યો હતો. એમણે એવી માગણી કરી હતી કે 23 મેએ સંપૂર્ણ મતગણતરી બધાં VVPAT (વોટર વેરીફાઈડ પેપર ટ્રેલ) મશીનોની સ્લિપ્સને સાથે રાખીને જ કરવી જોઈએ. ચૂંટણી પંચને મળવા ગયા પૂર્વે આ વિપક્ષી નેતાઓએ બેઠક યોજી હતી. એમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તેલુગુ દેસમ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ સેક્યૂલર, સીપીઆઈ, સીપીએમ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ડીએમકે તથા અન્ય પક્ષોનાં નેતાઓએ હાજરી આપી હતી. બેઠકમાં કોંગ્રેસના ગુલાબ નબી આઝાદ, અશોક ગેહલોત, ટીએમસીના ડેરેક ઓબ્રાયન, બસપાના સતીષ મિશ્રા, ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, ડીએમકેનાં કનીમોળી, સીપીએમના સીતારામ યેચુરી જેવા નેતાઓ હાજર રહ્યા હતા.