ભારતસ્થિત નવનિયુક્ત અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટી મુંબઈની મુલાકાતે…

ભારતમાં નવા અમેરિકી રાજદૂત તરીકે નિમાયા બાદ એરિક ગાર્સેટી પહેલી જ વાર મુંબઈની મુલાકાતે આવ્યા છે. 17 મે, બુધવારે તેઓ દક્ષિણ મુંબઈની જગપ્રસિદ્ધ વૈભવશાળી તાજ મહેલ પેલેસ હોટેલ ખાતે મિડિયાકર્મીઓને મળ્યા હતા અને પોતે શહેરમાં કયા કયા સ્થળોની મુલાકાત લીધી તે વિશે એમની સાથે વાતચીત કરી હતી.

એરિક ગાર્સેટી મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા, મહાત્મા ગાંધીના નિવાસસ્થાન મણિભવન, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, રાજભવનની મુલાકાતે ગયા હતા. ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે એમની મુદત અઢી વર્ષની રહેશે.

ગાર્સેટી 2013માં લોસ એન્જેલીસ શહેરના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાંથી બી.એ. થયા હતા. તેમણે કોલંબિયા કોલેજમાં હિન્દી તથા ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનું શિક્ષણ મેળવ્યું હતું. એમના પરિવારમાં પત્ની અને એક પુત્રી છે.

(તસવીરઃ દીપક ધુરી)