મુગલ ગાર્ડન્સ 13 ફેબ્રુઆરીથી ખૂલશે…

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલા મુગલ ગાર્ડન્સને 13 ફેબ્રુઆરીના શનિવારથી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. મુલાકાતીઓ માત્ર એડવાન્સમાં ઓનલાઈન બુકિંગ કરાવીને જ ત્યાં પ્રવેશ મેળવી શકશે, આ વર્ષે વોક-ઈન પ્રવેશ ઉપલબ્ધ નથી. એમ રાષ્ટ્રપતિ ભવન તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનના વાર્ષિક ‘ઉદ્યાનોત્સવ’નું ઉદઘાટન કરશે. મુગલ ગાર્ડન્સ 13 ફેબ્રુઆરીથી 21 માર્ચ, 2021 સુધી (સોમવારને બાદ કરતાં) સવારે 10થી સાંજે પાંચ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

મુલાકાતીઓએ કોવિડ-19 નિયમોનું પાલન કરવાનું રહેશે, જેમ કે માસ્ક પહેરવાનો રહેશે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, એન્ટ્રી-પોઈન્ટ ખાતે થર્મલ સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે. મુલાકાતીઓએ એમની સાથે પાણીની બોટલ, બ્રીફકેસ, હેન્ડબેગ કે પર્સ, કેમેરા, રેડિયો કે ટ્રાન્ઝિસ્ટર, બોક્સ, છત્રી, ખાદ્યપદાર્થ લાવવા નહીં.

બુકિંગ આ વેબસાઈટ પરથી કરી શકાશેઃ https://rashtrapatisachivalaya.gov.in અથવા https://rb.nic.in/rbvisit/visit_plan.aspx.

(તસવીર સૌજન્યઃ રાષ્ટ્રપતિ ભવન)