યુતિ ટકી ગઈઃ ભાજપ-શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે

મહારાષ્ટ્રમાં અને કેન્દ્રીય રાજકારણમાં સાથે મળીને સરકાર ચલાવવામાં છેલ્લા 25 વર્ષથી દોસ્તી-યુતિ રાખનાર શિવસેના અને ભારતીય જનતા પાર્ટીએ 2019ની લોકસભા તેમજ તે પછી નિર્ધારિત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડવાની ઘોષણા કરી દીધી છે. 18 ફેબ્રુઆરી, સોમવારે મુંબઈમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપપ્રમુખ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં રાજ્યના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી હતી. આ સાથે જ આ યુતિ તૂટી જશે એવી અટકળોનો અંત આવી જશે. બંને પક્ષે નક્કી કર્યું છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકોમાંથી શિવસેના 23 અને ભાજપ 25 બેઠક પર ચૂંટણી લડશે. રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 50:50ની ફોર્મ્યુલા અપનાવી છે.










પત્રકાર પરિષદની હોટેલના પ્રાંગણમાં છત્રપતિ શિવાજી મહારાજ, શિવસેના સ્થાપક સ્વ. બાલ ઠાકરે, ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની પ્રતિમા-છબી મૂકવામાં આવ્યા હતા.


પત્રકાર પરિષદ માટેના હોલમાં ભાજપના ગોપાલ શેટ્ટી, પૂનમ મહાજન, પંકજા મુંડે, કિરીટ સોમૈયા વગેરે નેતાઓ ઉપસ્થિત હતા.