GalleryEvents ‘INS ત્રિકંદ’ યુદ્ધજહાજ સામેલ થયું નૌકાદળની કવાયતમાં… February 8, 2019 ભારતીય નૌકાદળના મોખરાના યુદ્ધજહાજ 'INS ત્રિકંદ'નો હાલમાં જ મુંબઈમાં યોજાઈ ગયેલી બહુરાષ્ટ્રીય તાલીમ કવાયત 'કટલાસ એક્સપ્રેસ-2019'માં સમાવેશ કરવામાં આવ્યો હતો. જહાજની દેખરેખ ક્ષમતા સુધારવા, પ્રાદેશિક જળસીમા સુરક્ષાને ઉત્તેજન આપવાનો આ કવાયતનો ઉદ્દેશ્ય હતો. આ કવાયતનું આયોજન અમેરિકા, ભારત અને નેધરલેન્ડ્સના નૌકાદળો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. એમાં પૂર્વ આફ્રિકાના અનેક દેશોનાં નૌકાદળ, કોસ્ટ ગાર્ડ તથા મરિન પોલીસનાં જવાનોએ પણ ભાગ લીધો હતો. આને માટે 'INS ત્રિકંદ' જહાજને જિબુટી બંદર નજીક લાંગરવામાં આવ્યું હતું. કવાયતની સમાપન વિધિ 6 ફેબ્રુઆરીએ જિબુટી નૌકાદળ મથક ખાતે યોજવામાં આવી હતી. 'INS ત્રિકંદ'નો કમાન્ડ કેપ્ટન શ્રીનિવાસ માદુલાએ સંભાળ્યો હતો. આ જહાજ વિવિધ રેન્જનાં સેન્સર અને શસ્ત્રો સાથે સજ્જ છે. તે આકાશમાંથી, જમીન પરથી અને બંને બાજુએથી, એમ ત્રણેય દિશાએથી આવનાર જોખમોનો સામનો કરવા સક્ષમ છે. આ જહાજ મુંબઈમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફના આદેશ હેઠળ સક્રિય છે તેમજ ભારતીય નૌકાદળના પશ્ચિમી કાફલાનો એક હિસ્સો છે.